જનાર્દન ભટ્ટ દ્વારા ૨૬ લાખનું અનુદાન, અન્ય દાતાઓએ પણ ફંડ ફાળવ્યું : ઋણ સ્વિકાર સમારોહમાં કલેકટરએ આપી હાજરી
ભાવનગર શહેરની સૌથી જૂની અને ઐતિહાસિક શાળા ભાવનગર કેળવણી મંડળ સંચાલિત શાંતિલાલ શાહ (આલ્ફ્રેડ) હાઈસ્કૂલ હાલ તેના ૧૫૦ માં સ્થાપના વર્ષની ઉજવણી કરી રહયું છે ત્યારે શાળામાં અભ્યાસ કરતા ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વિદ્યાર્થી કલ્યાણનિધિ ફંડનો પ્રારંભ કરવામાં આવેલ છે. ભાવનગરના જાણીતા દાતા અને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી જનાર્દનભાઈ પ્રતાપભાઈ ભટ્ટ દ્વારા રૂપિયા ૨૬ લાખનું અનુદાન શાળાને અર્પણ કરવામાં આવેલ. દાતાના ઋણ સ્વિકાર અને સન્માન કાર્યક્રમ ભાવનગર જીલ્લા સમાહર્તા યોગેશ નીરગુડેના અધ્યક્ષ સ્થાને તા.૧૭ને મંગળવારના શાળાના સભાગૃહમાં યોજાઈ ગયો.
ભાવનગર કેળવણી મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કેળવણી મંડળના ટ્રસ્ટીઓ, મંડળ સંચાલિત શાળા – કોલેજના આચાર્યઓ તથા તમામ શિક્ષકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા . દાતાના પ્રથમ અનુદાનથી વિદ્યાર્થી કલ્યાણનિધિ ફંડની જાહેરાત થતા કેળવણી મંડળના ચેરમેન ગીરીશભાઈ શાહ દ્વારા રૂપિયા ૦૧ લાખ અનુદાનની જાહેરાત કરવામાં આવેલ, આલ્ફેડ હાઈસ્કૂલના શિક્ષક પરિવાર તરફથી રૂપિયા ૦૧ લાખ ૨૧ હજાર તથા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ફકરૂદ્દીનભાઈ કપાસી દ્વારા રૂપિયા ૫૧ હજાર તથા શાળાના ભૂતપૂર્વ શિક્ષક પ્રેરણાબેન ભટ્ટ તથા પ્રજ્ઞાબેન ભટ્ટ દ્વારા રૂપિયા ૨૫ હજાર અર્પણ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થી કલ્યાણનિધિ ફંડનો ઉપયોગ ગરીબ વિદ્યાર્થીઓને આર્થિક સહાય તથા જે વિદ્યાર્થીઓ આગળ ઉપર અભ્યાસ કરી શકે તેમ ન હોય તેઓને રોજગારલક્ષી તાલીમ અને શિક્ષણ આપી તેને પગભર કરવાનો હેતુ છે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી ભાવનગર જીલ્લા સમાહર્તા નીરગુડેએ સંસ્થાની આવી ઉમદા પ્રવૃત્તિની પ્રશંશા કરી કેળવણી મંડળના ટ્રસ્ટીઓ અને દાતાઓને બિરદાવ્યા હતા. ભાવસિંહજી પોલીટેકનીક કોલેજના આચાર્ય બી આર પટેલ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા ચલાવતા વિવિધ અભ્યાસક્રમોની માહિતી આપી હતી અને ભાવનગર કેળવણી મંડળ દ્વારા શરુ કરવામાં આવનાર રોજગારલક્ષી શિક્ષણ માટે પુરા સહકારની ખાત્રી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન આલ્ફ્રેડ હાઈસ્કૂલ આચાર્ય મયુરભાઈ જાનીની આગેવાની નીચે સમગ્ર શિક્ષક ભાઈઓ – બહેનોએ જેહમત ઉઠાવી હતી . કાર્યક્રમનું સંચાલન ડો. નીલાબેન જોષી દ્વારા કરવામાં આવ્યું હતું.