ગુજરાત સામે બેંગલોરનો આઠ વિકેટે આસાન વિજય

31

નવી દિલ્હી,તા.૨૦
આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૫મી સિઝનમાં ગુરૂવારે રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ધમાકેદાર પ્રદર્શન કરતા ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ આઠ વિકેટે વિજય નોંધાવ્યો હતો. આ સાથે જ બેંગલોરની ટીમ આઈપીએલ-૨૦૨૨માં પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે આવી ગઈ છે અને તે પ્લેઓફમાં પહોંચવાની આશા પણ જીવંત રહી છે. ગુજરાત ટાઈટન્સે પ્રથમ બેટિંગ કરતા સુકાની હાર્દિક પંડ્યાની અણનમ ૬૨ રનની ઈનિંગ્સની મદદથી ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૬૮ રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં વિરાટ કોહલીની અણનમ ૭૩ રનની ઈનિંગ્સ તથા સુકાની ફાફ ડુપ્લેસિસ અને ગ્લેન મેક્સવેલની તોફાની બેટિંગની મદદથી બેંગલોરની ટીમે ૧૮.૪ ઓવરમાં બે વિકેટે ૧૭૦ રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. ગુજરાતની ટીમ પહેલાથી જ પ્લેઓફમાં પહોંચી ગઈ છે તેથી તેને આ મેચના પરિણામથી કોઈ ફરક પડ્યો નથી. ગુજરાતની ટીમ ૧૪ મેચમાં ૨૦ પોઈન્ટ સાથે ટોચના સ્થાને છે. જ્યારે બેંગલોરની ટીમ ૧૪ મેચમાં ૧૬ પોઈન્ટ સાથે ચોથા ક્રમે પહોંચી છે. ૧૬૯ રનના લક્ષ્યાંકને વિરાટ કોહલી, સુકાની ફાફ ડુપ્લેસિસ અને ગ્લેન મેક્સવેલની જોડીએ આસાન બનાવી દીધો હતો. કોહલી અને ડુપ્લેસિસની ઓપનિંગ જોડીએ શરૂઆતથી જ તોફાની અંદાજમાં શરૂઆત કરી હતી. આ જોડીએ ૧૪.૩ ઓવરમાં ૧૧૫ રનની ભાગીદારી નોંધાવી દીધી હતી. છેલ્લા ઘણા સમયથી કંગાળ ફોર્મના કારણે ટીકાઓનો ભોગ બનેલો વિરાટ કોહલી લાંબા સમય બાદ લયમાં જોવા મળ્યો હતો. તેણે પોતાના આગવા અંદાજમાં બેટિંગ કરી હતી અને તેના ચાહકોને પણ ખુશ કરી દીધા હતા. તે અંત સુધી નોટઆઉટ રહ્યો હતો. તેણે ૫૪ બોલમાં આઠ ચોગ્ગા અને બે સિક્સરની મદદથી ૭૩ રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. ફાફ ડુપ્લેસિસે કોહલીનો ભરપૂર સાથ આપ્યો હતો અને આક્રમક બેટિંગ કરી હતી. તેણે ૩૮ બોલમાં પાંચ ચોગ્ગા સાથે ૪૪ રનની ઈનિંગ્સ રમી હતી. જોકે, ગ્લેન મેક્સવેલની બેટિંગ વધારે આકર્ષક રહી હતી. તેણે બેંગલોરના વિજય વધારે આસાન બનાવી દીધો હતો. તેણે ૧૮ બોલમાં અણનમ ૪૦ રન ફટકાર્યા હતા. જેમાં પાંચ ચોગ્ગા અને બે સિક્સર સામેલ હતી. જ્યારે દિનેશ કાર્તિક બે રને નોટઆઉટ રહ્યો હતો. ગુજરાત ટાઈટન્સ માટે બંને વિકેટ સ્પિનર રાશિદ ખાને ઝડપી હતી. આઈપીએલ-૨૦૨૨ની પ્લેઓફમાં ક્વોલિફાઈ થનારી પ્રથમ ટીમ ગુજરાત ટાઈટન્સે પોતાની અંતિમ લીગ મેચમાં બેંગલોર સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. જેમાં સુકાની હાર્દિક પંડ્યાએ આક્રમક અડધી સદી ફટકારી હતી.

Previous articleશું હજુ એકબીજાથી નારાજ છે ઐશ્વર્યા અને સુષ્મિતા?
Next articleતળાજામા તળપદા કોળી સમાજનો સમૂહલગ્ન