આપણે ત્યાં સોળ સંસ્કારનું મહત્વ છે. નામાભિધાન સંસ્કાર એ પૈકીનો અગત્યનો સંસ્કાર છે. નવજાત શિશુનું નામકરણ કરવામાં આવે છે. ઓળીઝોળીને પીપળપાન ફોઈએ રાખ્યા નામ. નામકરણ કરવાનો સંપૂર્ણ ઇજારો ફોઇ હસ્તક હતો!! આમ, તો નવજાતનું નામ પાડવાનો અધિકાર નવજાતનો જ હોવો જોઇએ! જે નામ જીંદગીભર જળોની જેમ ચીરતી રહેવાનું હોય કે તેનો ભાર વેંઢારવાનો હોય તેને જ પોતાનું નામ પાડવાનો અધિકાર હોવો જોઇએ. પણ પાર્ટી નાબાલિગ હોવાથી ખુદ ગબ્બરનું નામ પાડી ન શકે તેથી ફોઇ નામ પાડે છે.
સંભવ છે કે ફઈએ પાડેલ નામ જુનવાણી હોય તો મામ બધાને ધાધરની માફક ચચરે છે!! પછીના દોરમાં ફઇના અધિકારનું બાહુલ્ય ઘટ્યું છે!હવેના જમાનામાં માબાપ ઢંગધડા વગરના નામ રાખે છે. દીકરીનું નામ મિકી રાખે છે પણ દીકરાનું નામ માઉસ રાખતા નથી. એક છોકરીનું નામ સી-જીીી છે. ભગવાન જાણે શું અર્થ નીકળતો હશે?
વ્યકિતગત રીતે આપણને આપણું નામ ન ગમે તો ગેઝેટમાં છપાવી બદલી શકીએ છીએ. મહારાષ્ટ્રમાં કે બંગાળમાં પરણીને આવેલી નવોઢાનું નામ બદલવામાં આવે છે.
આઝાદી પછી મહોલ્લા, શેરી,ચોક,વિસ્તાર નગરના નામો બદલવામાં આવેલ છે. અમુક શહેરોના નામના ઉચ્ચારણ કરવામાં અંગ્રેજોને તકલીફ પડતી હોઇ મુંબાઇનું બોમ્બ કે ચેન્નાઇનું મદ્રાસ કરેલ હતું. હાલમાં કોઇ વિદેશી વ્યકિત કે મુસ્લિમોના નામ હોય તેવા શહેર, ગામ, રસ્તા ચોકના નામ બદલવાનો એજન્ડા જોરશોરથી ચાલી રહ્યો છે. માત્ર નામ બદલવાથી કોઇની નિયતિ કે બદહાલી, ગરીબી, બેકારી , પ્રદૂષણ વગેરેમાં તસુભર ફરક પડતો નથી. ઉલ્કાનું નવા નામ મુજબ બોર્ડ, નકશા,ફોર્મ વગેરે છપાવવાનો ખર્ચ વધે છે!!
સ્થાનિક, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ નામાભિધાનને મળેલી અભૂતપૂર્વ , અશ્રુતપૂર્વ, કલ્પનાતીત, અપ્રતિમ અને અનુપમ સફળતાના પગલે આપણે આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામાભિધાન પ્રવૃત્તિનું ફલક વિસ્તૃત કરેલ છે.!!
શેકસપિયરે કહ્યું છે કે નામમાં શું રાખ્યું છે?જયારે નરસિંહ મહેતાએ કહ્યું છે કે ઘાટ ઘડ્યા પછી નામરૂપ જુજવા અંતે તો હેમનું હેમ હોયે!!
બાળપણના હુલામણા નામો સિતેર વરસની વયે આહ્લાદક લાગે છે. ભરબજારે ભદ્રેશભાઇ બુમ પાડો તો પાર્ટી ન સાંભળે પણ એ ભદિયા બુમ પાડો તો પાર્ટીના પગમાં એબીએસ બ્રેક લાગી જાય.
હમણા ગાંધીનગર એક કાર્યક્રમ યોજાયેલો. તેમાં ડબલ્યુએચઓના ટેડરોઝ ગેબ્રેયેસો હાજર રહેલ હતા. તેમણે પાકો ગુજરાતી હોવાનો દાવો વગર એફિડેવિટે કર્યો અને ગુજરાતી નામકરણ કરવા વિનંતી કરી. નામકરણ અને જાતજાતના મંત્રો રચવાના નિષ્ણાતે તેનું નામ તુલસીભાઇ નામ પાડ્યું.
આ સફળતાથી પ્રેરાઇને આપણી સરકારે પ્રધાનમંત્રી નામાભિધાન યોજના ( વિદેશી) અમલમાં મુકનાર છે!એમાં વિદેશી નેતાઓના નામ બદલવામાં આવનાર છે! યુક્રેનના ઝ્લેન્સ્કીનું નાન જેન્તીભાઇ રાખવામાં આવશે.રશિયાના પુતિનનું નામ પથુભાઇ, ઇંગ્લેન્ડના વડાપ્રધાનનું નામ બચુભાઇ ,માર્ગારેટ થેચરનું નામ મણિબેન રાખવામાં આવશે.!
તમારે કોઇનું નામ બદલાવું હોય તો જરૂરથી અરજી કરજો!!
– ભરત વૈષ્ણવ