ફાઈનલમાં થાઈલેન્ડની જિતપોંગ જુટામેન્સને ૫-૦ થી પરાજિત કરી : તેલંગાણાની નિખત ઝરીનભારતની એવી પાંચમી મહિલા બોક્સર છે, જેમણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો, ૧૪ વર્ષની ઉંમરમાં જ ચેમ્પિયન બની
નવી દિલ્હી, તા.૨૦
ભારતીય બોક્સર નિખત ઝરીન ૫૨ કિલોગ્રામ વેટ કેટેગરીમાં વર્લ્ડ ચેમ્પિયન બની ગઈ છે. તેમણે એક દિવસ પહેલા ફાઈનલમાં થાઈલેન્ડની જિતપોંગ જુટામેન્સને ૫-૦ થી પરાજિત કરી હતી. તેલંગાણાની નિખત ભારતની એવી પાંચમી મહિલા બોક્સર છે, જેમણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. નિખમના બોક્સર બનવાની કહાની પણ રસપ્રદ છે. પિતા મોહમ્મદ જમીલ પોતે ફુટબોલ અને ક્રિકેટ રમતા હતા તેઓ ઈચ્છતા હતા કે તેમની ૪ પુત્રીઓમાંથી કોઈ એક ખેલાડી બને. તેમણે પોતાના ત્રીજા નંબરની દિકરી નિખત માટે એથલેટિક્સને પસંદ કર્યુ અને નાની ઉંમરમાં જ સ્ટેટ ચેમ્પિયન બનેલી નિખતે પણ પિતાના આ નિર્ણયને સાચો સાબિત કર્યો પરંતુ કાકાની સલાહ પર નિખત બોક્સિંગ રિંગમાં ઉતરી અને ૧૪ વર્ષની ઉંમરમાં જ વર્લ્ડ યુથ બોક્સિંગ ચેમ્પિયન બની અને જે બાદ એક-એક કરીને સફળતાની સીડીઓ ચઢતી ગઈ. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતવો આ સફરનો સૌથી મહત્વનો પડકાર છે. ભારતમાં મહિલા બોક્સિંગનો અર્થ ૬ વખતના વર્લ્ડ ચેમ્પિયન એમસી મેરીકોમ છે પરંતુ નિખતે આ લિસ્ટમાં પોતાનુ નામ બનાવી લીધુ છે. જોકે આ માટે તેમને લાંબી રાહ જોવી પડી. ખભાની ઈજાના કારણે નિખત ૨૦૧૭માં બોક્સિંગ રિંગમાં ઉતરી શક્યા નહોતા. પરંતુ ૫ વર્ષ બાદ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મળેલી ઐતિહાસિક જીત બાદ તે ઉદાસી અને દર્દ બંને દૂર થઈ ગયા. નિખતના પિતા મોહમ્મદ જમીલે જણાવ્યુ, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતવુ એવી વસ્તુ છે, જે મુસ્લિમ યુવતીઓની સાથે-સાથે દેશની દરેક યુવતીને જીવનમાં મોટુ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કરશે. નિખતે પોતે જ પોતાનો રસ્તો તૈયાર કર્યો છે. કાકા શમ્સુદ્દીનના બંને દિકરા એતેશામુદ્દીન અને ઈતિશામુદ્દની બોક્સર હોવાના કારણે, નિખતને બોક્સર બનવા માટે ક્યાંય બહારથી પ્રેરણાની જરૂર પડી નહીં. જોકે નિખતે જ્યારે ૨૦૦૦ના દાયકામાં બોક્સિંગ શરૂ કરી તો નિઝામાબાદ અને હૈદરાબાદમાં મહિલા બોક્સર કોઈ પ્રતિસ્પર્ધામાં ઘણુ ઓછુ જોવા મળતુ હતુ. તેમ છતાં પિતાએ નિખતને બોક્સર બનવાથી રોક્યા નહીં. બોક્સિંગ એવી રમત છે, જેમાં યુવતીઓને ટ્રેનિંગ કે બાઉટના દરમિયાન શોર્ટસ અને ટી શર્ટ પહેરવી પડે છે. એવામાં જમીલ પરિવાર માટે દિકરીને બોક્સર બનવુ સરળ નહોતુ પરંતુ નિખતને પિતા અને માતા પરવીન સુલ્તાના બંનેનો સાથ મળ્યો. પિતા જમીલે જણાવ્યુ, હુ સાઉદી અરબમાં સેલ્સ આસિસ્ટન્ટ તરીકે કામ કરતો હતો અને ત્યાં ૧૫ વર્ષ પસાર કર્યા બાદ હુ દિકરીઓનો અભ્યાસ અને સ્પોર્ટસમાં તેમના કરિયરને જોતા નિઝામાબાદ પાછો ફરવાનો નિર્ણય કર્યો. નિખતની બે મોટી બહેનો ડોક્ટર છે. મારો તમામ સમય નિખત અને તેની નાનીબહેન, જે બેડમિન્ટન રમે છે, તેની ટ્રેનિંગમાં જ નીકળી જાય છે. મને યાદ છે કે જ્યારે નિખતે અમે બોક્સર બનવાની પોતાની ઈચ્છા વિશે જણાવ્યુ તો અમારા મનમાં કોઈ મૂંઝવણ નહોતી. પરંતુ, ક્યારેક સગા-વ્હાલા કે મિત્ર એ કહેતા હતા કે છોકરીઓએ આવુ સ્પોર્ટસ રમવુ જોઈએ નહીં. જેમાં તેમને શોર્ટસ પહેરવા પડે પરંતુ અમે એ જાણતા હતા કે નિખત જે ઈચ્છશે, અમે તેના સપના પૂરા કરવા માટે હંમેશા તેમની સાથે ઉભા રહીશુ અને આજે તે વર્લ્ડ ચેમ્પિયન બની ગઈ. નિખતે ૨૦૧૧માં યુથ વર્લ્ડ ચેમ્પિયન બનવાની સાથે જ ભારતીય બોક્સિંગના નવા સ્ટાર તરીકે દમદાર દસ્તક આપી હતી પરંતુ તેમને રાષ્ટ્રીય સ્તરે ચમકવા માટે ૫ વર્ષની રાહ જોવી પડી. તેઓ ૨૦૧૬માં ફ્લાઈવેટ કેટેગરીમાં મનીષાને હરાવીને પહેલીવાર સીનિયર નેશનલ ચેમ્પિયન બની.નિખતની આ સુવર્ણ સફળતા પર પિતા અને ઘરના લોકો ખૂબ ખુશ છે અને હવે જશ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પિતાએ કહ્યુ, ૨-૩ વર્ષથી તેણે પોતાની મનગમતી બિરયાની અને નિહારી ખાધી નથી. જેવુ જ તે કેમ્પથી ફ્રી થશે તો તેની પાસે પોતાની મનગમતી ડિશ ખાવા માટે એક-બે દિવસની તક હશે. જે બાદ તે ફરી વ્યસ્ત થઈ જશે.