સુપ્રીમ કોર્ટે પેગાસસ કેસની તપાસ કરી રહેલી જસ્ટિસ રવીંદ્રન સમિતિનો કાર્યકાળ ૪ સપ્તાહ માટે લંબાવી દીધો
નવી દિલ્હી, તા.૨૦
પેગાસસ જાસૂસી કેસ મામલે આજ રોજ સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીમાં કોર્ટે આ કેસની તપાસ કરી રહેલી ટેક્નિકલ કમિટીનો કાર્યકાળ ૪ સપ્તાહ માટે લંબાવી દીધો છે. કમિટીએ પોતે જ તપાસ માટે વધારે સમયની માગણી કરી હતી. બાદમાં સુપ્રીમ કોર્ટે પેગાસસ કેસની તપાસ કરી રહેલી જસ્ટિસ રવીંદ્રન સમિતિનો કાર્યકાળ ૪ સપ્તાહ માટે લંબાવી દીધો છે. પેગાસસ મામલે સીજેઆઈ જસ્ટિસ એનવી રમણા, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બેંચમાં સુનાવણી થઈ હતી. સુનાવણી શરૂ થઈ એટલે સીજેઆઈએ ટેક્નિકલ કમિટીના રિપોર્ટ અંગે જણાવ્યું કે, કમિટીએ અનેક ટેક્નિકલ મુદ્દે તપાસ કરી છે. તપાસ દરમિયાન કમિટીને ૨૯ ઉપકરણો અને કેટલાક પુરાવાની તપાસ અને વધુ પુછપરછ માટે કહેવામાં આવ્યું. તપાસ કમિટીએ અમુક મુદ્દે જનતાનો મત પણ માગ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ પોતાનું મંતવ્ય મોકલી આપ્યું હતું. જોકે કેટલીક નિષ્ણાંત એજન્સીઓના મતની રાહ જોવાઈ રહી છે. હવે પીઠે રિટાયર્ડ જસ્ટિસ આરવી રવીંદ્રનની અધ્યક્ષતાવાળી કમિટીને ૪ સપ્તાહમાં અંતિમ રિપોર્ટ દાખલ કરવા માટે કહ્યું છે. ચીફ જસ્ટિસે (સીજેઆઈ) જણાવ્યું કે, ટેક્નિકલ કમિટી મેના અંત સુધીમાં ફાઈનલ રિપોર્ટ તૈયાર કરીને જસ્ટિસ રવીંદ્રનને સોંપશે. ત્યાર બાદ આગામી એક મહિનામાં એટલે કે, ૨૦મી જૂન સુધીમાં જસ્ટિસ રવીંદ્રન પોતાનો ફાઈનલ રિપોર્ટ કોર્ટને સોંપી દેશે અને જુલાઈમાં સુનાવણી થશે.