ઝુલુસને મેયર કિર્તીબેન દાણીધારીયાએ લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું
શહેરના ચાવડીગેટ વિસ્તારમાં આવેલા હઝરત રોશન ઝમીર પીર મહંમદશા બાપુ વાડીવાળાનો ત્રિ-દિવસીય ઉર્ષ શરીફ શાનદાર રીતે ઉજવાયો હતો.
આ ઉર્ષ પ્રસંગે દરગાહ શરીફમાં ન્યાઝ શરીફ, સલાતો સલામ અને સામુહિક દુવાઓ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં. ઉપરાંત સંદલ શરીફનું ઝુલુસ શહેરના રાજમાર્ગો પર ફર્યું હતું. આ ઝુલુસને ભાવનગરના મેયર કિર્તીબેન દાણીધારીયાએ લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે મહાનુભાવો, આગેવાનો, કાર્યકરો અને હિન્દુ-મુસ્લિમ શ્રદ્ધાળુ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા પીર મહંમદશાબાપુ વાડીવાળાના ટ્રસ્ટીઓ, આગેવાનો અને કાર્યકરોએ સારી જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં પોલીસ તંત્ર સહિત સંબંધિત વિભાગના અધિકારીઓએ પણ સરાહનીય કામગીરી બજાવી હતી. આ પ્રસંગે નાત ખ્વાબ હસન રઝા અશરફીએ શાનદાર નાત શરીફ પેશ કરી હતી. આ કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ લોકો ઉપસ્થિત રહ્યા હતાં. આજે સાંજે બહેનોનો ઉર્ષ મેળો યોજાશે. જેમાં પણ મોટી સંખ્યામાં શહેરના વિવિધ વિસ્તારોની બહેનો ઉમટી પડશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઉર્ષ કમિટિના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.
હઝરત લીલાશાપીર દાદાનો ઉર્ષ શરીફ ઉજવાયો
ભાવનગર શહેરના એસ.ટી. સ્ટેન્ડની સામે, જુની જહાંગીર મિલ કંપાઉન્ડમાં આવેલા હઝરત રોશન ઝમીર લીલાશાપીર દાદાનો ઉર્ષ શરીફ ઉજવાયો હતો. આ પ્રસંગે દરગાહ શરીફમાં સંદલ શરીફ, સલાતો સલામ અને સામુહિક દુવા તથા ન્યાઝ શરીફ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં. આ પ્રસંગે હિન્દુ-મુસ્લિમ સમાજના શ્રધ્ધાળુ લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા લીલાશાપીર દરગાહના ખાદીમ ફારૂકભાઇ ડેરૈયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.