મુંબઈ, તા.૨૧
MX PlayerMXની પોપ્યુલર વેબ સીરિઝ આશ્રમ ૩નું ટ્રેલર થોડા દિવસો પહેલા જ રીલિઝ થયું છે અને આ સીરિઝ ટૂંક જ સમયમાં સ્ટ્રીમ થશે. આશ્રમની પ્રથમ બે સિઝન લોકોએ ખૂબ પસંદ કરી હતી. લોકો આતુરતાથી સિઝન ૩ની રાહ જોઈ રહ્યા છે. સિરીઝમાં મુખ્ય પાત્ર બાબા નિરાલાનું છે, જે બોબી દેઓલે અદ્દભુત રીતે ભજવ્યુ છે. આ સીરિઝ પછી બોબી દેઓલની લોકપ્રિયતામાં વધારો થયો છે. હવે આ સિઝનમાં જ્યારે ફરી બાબા નિરાલાના આશ્રમના દરવાજા ખુલશે ત્યારે શું નવું થશે અને શું તેમની કાળી કરતૂતોનો પર્દાફાશ થશે કે કેમ તે જોવાનું છે. ટ્રેલર પરથી જાણવા મળે છે કે હવે બાબા નિરાલા પોતાને ભગવાન જણાવી રહ્યો છે. ટ્રેલરમાં જોવા મળ્યું કે, આ સીરિઝમાં વધુ એક દમદાર કલાકારની એન્ટ્રી થઈ છે અને તે છે ઈશા ગુપ્તા. ઈશા ગુપ્તાની અદાઓ અને બોલ્ડનેસ જે ટીઝરમાં દર્શાવાવમાં આવી છે તેના પરથી દર્શકોની ઉત્સુકતા વધી ગઈ છે. દર્શકો જાણવા આતુર છે કે આખરે આશ્રમ ૩માં ઈશા ગુપ્તાનો શું રોલ હશે. ઈશા ગુપ્તા આ પ્રોજેક્ટ સાથે જોડાઈને ખુશ છે, કારણકે આશ્રમમાં કામ કરવાની તેની ઈચ્છા પૂરી થઈ ગઈ છે. ઈશા ગુપ્તા આ પહેલા પણ આશ્રમના ડિરેક્ટર પ્રકાશ ઝા સાથે કામ કરી ચૂકી છે. આ સીરિઝ સાથે જોડાવવું તેના માટે જાણે સપનું સાકાર થવા સમાન છે. ઈશા જણાવે છે કે, લોકડાઉન દરમિયાન જ્યારે મેં આ સીરિઝ જોઈ તો મેં પ્રાર્થના કરી હતી કે હું પણ તેનો ભાગ બનું અને હવે મારી આ ઈચ્છા પૂરી થઈ ગઈ છે. મને લાગી રહ્યું છે કે આ સીરિઝનું મળવું એ યૂનિવર્સ તરફથી મારા માટે એક મોટી ભેટ છે.
તમને જણાવી દઈએ કે ઈશા ગુપ્તાનું પાત્ર સીરિઝમાં ઈમેજ મેકર સ્પેશિયાલિસ્ટનું હશે, જે બાબાજીના કાર્યો અને આશ્રમમાં તેમની પહેલને પ્રોત્સાહન આપવાનું કામ કરશે. તે એક શક્તિશાળી ધર્મગુરુ તરીકેની બાબા નિરાલાની ઈમેજને જાળવી રાખવા અને વધારે મજબૂત બનાવવાનું કામ કરશે. હવે જોવાનું છે કે, શું ઈશા ગુપ્તાનું પાત્ર બાબા નિરાલાની મદદ કરશે અથવા તેમના કૃત્યોનો પર્દાફાશ કરશે? ઈશા જણાવે છે કે, રોલની તૈયારી કરતી વખતે તેણે કેરેક્ટરની માનસિકતા અને વ્યક્તિત્વને સમજવા માટે પોતાના એક મિત્ર પાસેથી માર્ગદર્શન મેળવ્યુ હતું. પ્રકાશ ઝાના ડિરેક્શનમાં બનેલી આ સીરિઝમાં બોબી દેઓલ, અદિતિ પોહનકર, ચંદન રોય સાન્યાલ, દર્શન કુમાર, અનુપ્રિયા ગોયનકા, સચિન શ્રોફ, અધ્યયન સુમન, ત્રિધા ચૌધરી, વિક્રમ કોચર, અનુરિતા કે ઝા, રુશાદ રાણા, તન્મય રંજન, પ્રીતિ સૂદ, રાજીવ સિદ્ધાર્થ અને જયા સીલ ઘોષ જેવા કલાકારો જોવા મળશે. આ સીરિઝના તમામ એપિસોડ ૩ જૂન, ૨૦૨૨થી એમએક્સ પ્લેયર પર પ્રસારિત થશે.