મુંબઇ,તા.૨૧
આઇપીએલ ૨૦૨૨માં ચોગ્ગા અને છગ્ગાના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. ચાહકોને આ સિઝનમાં ઘણા બધા ચોગ્ગા અને છગ્ગા જોવા મળ્યા છે. આઇપીએલ ૨૦૨૨ ની સૌથી લાંબો સિક્સ લિયામ લિવિંગસ્ટોનના નામે છે, સીઝનની ૬૮મી મેચ રાજસ્થાન અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ચેન્નાઈના ઓલરાઉન્ડર મોઈન અલીએ ઘણા ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા, જેમાંથી ૧ ચોગ્ગા સૌથી વધુ ચર્ચામાં છે, કારણ કે આ ચોગ્ગાની કિંમત ૫ લાખ રૂપિયા છે. આ મેચમાં મોઈન અલીના બેટે તબાહી મચાવી હતી. તેમણે રાજસ્થાન સામે રમાયેલી મેચમાં આઇપીએલ ૨૦૨૨ ની આ બીજી સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી. મોઈન અલીએ ૫૭ બોલમાં ૯૩ રનની ઈનિંગ રમી હતી. આ મેચમાં તેમના બેટથી ૧૩ ફોર અને ૩ સિક્સ જોવા મળ્યા હતા. આ ૧૩ ચોગ્ગામાંથી ૧ ચોગ્ગાની કિંમત ૫ લાખ રૂપિયા હતી. એ યાદ રહે કે સીઝન ૧૫ની શરૂઆત પહેલા ટાટા ગ્રુપે કહ્યું હતું કે જો આઈપીએલની આ સીઝનમાં ટાટા પંચ બોર્ડ પર કોઈ બેટ્સમેનનો શોટ વાગે છે તો કાઝીરંગા નેશનલ પાર્કને ૫ લાખ રૂપિયા દાનમાં આપવામાં આવશે. ચેન્નાઈ સુપર કિંગ્સની ઈનિંગ્સની ૭મી ઓવરમાં, મોઈન અલીએ ચહલના કવર એરિયા પર એરિયલ શોટ રમ્યો, જે બાઉન્ડ્રી લાઈનની બહાર જઈને ટાટા પંચના બોર્ડમાં ગયો. મોઈન અલીની આ બાઉન્ડ્રી પછી કાઝીરંગા નેશનલ પાર્કને ૫ લાખ રૂપિયા આપવામાં આવશે. ટાટા ગ્રુપ આઈપીએલ સીઝન ૧૫નું સત્તાવાર સ્પોન્સર છે. ટાટા ગ્રુપે સિઝન પહેલા આની જાહેરાત કરી હતી અને અત્યાર સુધીમાં ટાટા પંચ બોર્ડ પર ઘણા શોટ લાગ્યા છે. મોઈન અલી પહેલા રોહિત શર્મા, રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન દેવદત્ત પડીક્કલ અને રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન શિમરોન હેટમાયર પણ ટાટા પંચ બોર્ડ પર શોટ લગાવી ચૂક્યા છે, પરંતુ ખાસ વાત એ છે કે આ તમામ ખેલાડીઓએ સિક્સર ફટકારીને આ કારનામું કર્યું હતું અને મોઈન અલીએ ચોગ્ગો ફટકારીને આ સિદ્ધિ મેળવી છે.