ગઇકાલે ખેલાયેલા ખૂની ખેલમાં તળાજાના પાંચ અને અમદાવાદના બે સામે ફરિયાદ
તળાજા શહેરની પંચશીલ સોસાયટી ખાતે શુક્રવારે હથિયારોથી એક જૂથે બીજા જૂથ પર હુમલો કરતા બનાવમાં એકની હત્યા થવા પામી હતી. આ બનાવ અંગે આજે વહેલી સવારે તળાજા પોલીસ મથકમાં ૭ સખશો સામે ૩૦૨ સહિતની કલમો તળે ગુન્હો નોંધાયો છે. જ્યારે આરોપીઓ પોલીસના હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે.
તળાજા સહિત જિલ્લાના લઘુમતી સમાજમા સનસનાટી મચાવતી ઘટનાની મળતી વિગતો મુજન અહીંની પંચશીલ સોસાયટીમા રહેતા કુરેશી અટક ધરાવતા પરિવારમાં મકાનના ખુલ્લા પ્લોટમાં કપચી નાખવા જેવી સામાન્ય બાબતે મનદુઃખ થયા બાદ બાબતે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ બનાવમાં તીક્ષ્ણ હથિયાર ધારણ કરી કરવામાં આવેલ હુમલામા કુલ પાંચ યુવાનોને નાની મોટી ઇજાઓ થવા પામી હતી. ઇજાગ્રસ્તો રૂસ્તમભાઈ નૂરભાઈ કુરેશી (ઉ.વ.આ ૩૨), ફિરોજભાઈ હબીબભાઈ કુરેશી, આસીફભાઈ હબીબભાઈ કુરેશી, અયૂબભાઈ હબીબભાઈ કુરેશી, અબ્રાર આસીફભાઈ કુરેશીને નજીકની નીલકંઠ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે રૂસ્તમ નૂરભાઈ કુરેશીને મરણ ગયેલ જાહેર કરેલ હતા. બાકીના ચારેયની સારવાર કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત ફિરોજભાઈ કુરેશીએ જણાવ્યું હતુંકે અમો ઘરે હતા તે સમયે કપચી લેવા બાબતે ઘર બહાર બોલાવવામાં આવ્યા હતા. બાદ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત ફિરોજભાઈ કુરેશી એ ખૂની હુમલો મહેબૂબભાઈ બાપલભાઈ અને તેના ભાઈઓ રજાકભાઈ, અયૂબભાઈ, ઇમરાનભાઈ તથા બહાર ગામથી આવેલ એક યુવક સહિતના પરિવારજનો પર આરોપ લગાવ્યો હતો. બનાવને લઈ જિલ્લા પોલીસ વડા એ સ્થળ પર દોડી જઇ તેમજ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્ત પરિવારના મહિલાઓ સહિત આ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જેને લઈ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. બનાવના પગલે ફિરોજભાઈ હબીબભાઈ કુરેશી (રહે, પંચશીલ સોસાયટી, તળાજા)એ તળાજાના મહેબૂબ બાપલ, અયુબ બાપલભાઈ, રઝાક બાપલભાઈ, સાહિલમહેબૂબભાઈ, સારિક મહેબુબભાઈ તથા અમદાવાદના જાવેદ અને સમીર સામે ગુન્હો નોંધાવતા પોલીસે આઇપીસી કલમ ૩૦૨, ૩૨૬, ૩૨૫, ૩૨૩, ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૩ તળે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.