કેન્દ્ર સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી : કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે આ અંગે ટ્વીટ કરી જાહેરાત કરી
નવી દિલ્હી, તા.૨૧
દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી સતત પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થતો જોવા મળ્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર તરફથી આમ જનતા માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરત કરતાં જણાવ્યું હતું કે અમે કેદ્રીંય એક્સાઇઝ ડ્યૂમાં ૮ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર ૬ રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરી રહ્યા છીએ. તેનાથી પેટ્રોલના ભાવમાં ૯.૫ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં ૭ રૂપિયાનો ઘટાડો થશે. ગયા મહિને એટલે કે એપ્રિલમાં દેશમાં છૂટક ફુગાવો ૭.૭૯ ટકાના ૮ વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. છૂટક ફુગાવાના આંકડામાં આ વધારો ખાદ્ય ચીજવસ્તુઓ સિવાય બળતણની કિંમતોમાં વધારો થવાને કારણે થયો છે. આ સાથે જ નાણામંત્રીએ એ પણ કહ્યું હતું કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના નવ કરોડથી વધુ લાભાર્થીઓને ૨૦૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર (૧૨ સિલિન્ડર સુધી) સબસિડી આપવામાં આવશે. તેમણે કહ્યું કે તેનાથી આપણી માતાઓને મદદ મળશે. નિર્મલા સીતારમણે કહ્યું કે અમે તે પ્લાસ્ટિક ઉત્પાદનો માટ કાચા માલ અને વચોટિયા પર પણ કસ્ટમ ડ્યૂટી ઘટાડી રહ્યા છીએ જ્યાં આપણી આયાત પર નિર્ભરતા વધુ છે. સ્ટીલના કેટલાક કાચા માલ પર પણ આયાત શુલ્કને ઘટાડવામાં આવશે. કેટલાક સ્ટીલ ઉત્પાદકો પર નિર્યાત શુલ્ક લગાવવમાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે સીમેન્ટની ઉપલબ્ધતાને સારી કરવા માટે માપદંડ અમલમાં લાવવામાં આવશે અને સીમેન્ટની કિંમત ઓછી કરવા માટે સારા લોજિસ્ટિકનો સહારો લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે સતત ૪૫ દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર થયો ન હતો. જોકે એલપીજી ગેસ સિલિન્ડર સહિત જરૂરી વસ્તુઓના ભાવ પણ સતત વધી રહ્યા છે. ત્યારે હવેથી અમદાવાદમાં પેટ્રોલ ૯૬.૩ રૂપિયા અને ડીઝલ ૯૨.૪૩ રૂપિયાના ભાવે મળશે. પેટ્રોલ ડીઝલના સતત વધતા ભાવ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યાં છે. આ અંગે કેન્દ્ર સરકાર તરફથી મોટી જાહેરાત કરવામાં આવી છે.