સુરંગ ધસી પડવાની દુર્ઘટનામાં ચાર લોકોનાં મોત નિપજ્યા

29

જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર નિર્માણાધીન ચાર લેનની સુરંગ પર પહાડ પડવાની દુર્ઘટના બની હતી
જમ્મુ કાશ્મીર, તા.૨૧
જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે ઉપર બની રહેલી સુરંગ ધસી પડવાની દુર્ઘટનામાં તેનો કાટમાળ હટાવવાનું અભિયાન આજ સવારથી ફરી ચાલુ કરવામાં આવ્યું છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૪ મજૂરોના મોત થયા છે અને હજું પણ ૬-૭ લોકો ફસાયેલા હોવાની આશંકા છે. જમ્મુ કાશ્મીરના રામબન જિલ્લામાં જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર નિર્માણાધીન ચાર લેનની સુરંગ પર પહાડ પડવાની દુર્ઘટના બની હતી. તેમાં ગુરૂવારે રાત્રે આશરે ૧૦ઃ૧૫ કલાકે ટી-૩ની ઓડિટ ટનલના એક મજૂરનું મોત થયું હતું. તે સમયે રેસ્ક્યુ દરમિયાન ૩ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. શુક્રવારે પહાડનો મોટો ભાગ દુર્ઘટનામાં તુટી પડતા બચાવ અભિયાનમાં મુશ્કેલી ઉભી થઈ હતી જેથી રેસ્ક્યુ ઓપરેશન રોકવામાં આવ્યું હતું. આ સુરંગમાં પશ્ચિમ બંગાળ, આસામ, નેપાળ, જમ્મુ કાશ્મીરના નાગરિકો ફસાયા હતા. રેસ્ક્યુ દરમિયાન બચાવી લેવામાં આવેલા લોકોને રામબન ખાતેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડિવિજનલ કમિશ્નર રમેશ કુમાર અને એડીજીપી (એડિશનલ ડાયરેક્યર જનરલ ઓફ પોલીસ) મુકેશ સિંહે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. તેમજ ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કન્ટ્રોલ રૂમમાંથી પરિસ્થિતિ ઉપર નજર રાખી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો બચાવ કામગીરીમાં કાર્યરત છે. તેમજ બચાવ કામગીરીને ઝડપી બનાવવા માટે મેજિસ્ટ્રેટની સાથે અન્ય કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે.

Previous articleબિહારના ૧૬ જિલ્લામાં આંધી અને વીજળી પડવાને કારણે ૩૩ લોકોના મોત નિપજયાં
Next articleદિલ્હી-એનસીઆરમાં વરસાદ, અનેક ફ્લાઈટ ડાયવર્ટ કરવી પડી