મુંબઈ,તા.૨૧
દિગ્ગજ વિકેટકિપર બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોનીએ ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી હોય પણ તેના પ્રશંસકો ઓછા થયા નથી. ધોની આઈપીએલમાં ચેન્નઇ સુપર કિંગ્સની કેપ્ટનશિપ કરી રહ્યો છે. આઈપીએલ-૨૦૧૫માં સીએસકેના અંતિમ મુકાબલા દરમિયાન એવી ચર્ચા હતી કે ધોની સીએસકેની જર્સીમાં અંતિમ વખત મેદાનમાં ઉતરશે. જોકે ધોનીએ સ્પષ્ટ કર્યું છે કે તે આગામી સિઝનમાં આઈપીએલમાં ચેન્નઇ સુપર કિંગ્સ તરફથી રમશે. મેચ પછી ધોનીએ કહ્યું કે મોઇન અલી સારી બેટિંગ કરી રહ્યો હતો પણ સતત વિકેટ પડવાના કારણે મોઇન અલીને પોતાની બેટિંગનો અંદાજ બદલવો પડ્યો હતો. મને લાગે છે કે કોઇ બેટ્સમેન તેની સાથે ઉભો રહ્યો હોત તો ઝડપથી રન બનાવવાનું યથાવત્ રાખી શકતો હતો પણ જેવી વિકેટ ગુમાવી પોતાનો રોલ અને જવાબદારી બદલી ગઇ હતી. આ કારણે આગળની રણનિતી મુશ્કેલ થઇ ગઈ હતી. અમે ૧૦ થી ૧૫ રન ઓછા બનાવ્યા હતા. રાજસ્થાન સામેની છેલ્લી મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ કહ્યું હતું કે આઈપીએલની આગામી સિઝનમાં નિશ્ચિત રીતે રમીશ. ચેન્નઇમાં પ્રશંસકોને ધન્યવાદ કર્યા વગર હું આઈપીએલમાંથી નિવૃત્તિ લઇ લઇશ તો તે યોગ્ય ગણાશે નહીં. જાડેજાની ૮ મેચમાં કેપ્ટનશિપ છોડી દેવામાં આવે તો ૨૦૦૮થી ધોની સીએસકેનો નિયમિત કેપ્ટન રહ્યો છે. તે આઈપીએલનો બીજો સૌથી સફળ કેપ્ટન છે. પોતાની કેપ્ટનશિપમાં ધોનીએ સીએસકેને ૪ વખત ચેમ્પિયન બનાવ્યું છે. આઈપીએલ-૨૦૨૨માં સીએસકેની સફર નિરાશાજનક રહી છે. સિઝનની શરૂઆતમાં રવિન્દ્ર જાડેજાની કેપ્ટન તરીકે વરણી કરવામાં આવી હતી. તે પોતાની કેપ્ટનશિપમાં ખાસ કમાલ કરી શક્યો ન હતો. તેના નેતૃત્વમાં સીએસકે ૮ મેચ રમ્યું હતું અને જેમાં ૨ મેચમાં જીત મેળવી હતી જ્યારે ૬ મેચમાં પરાજય થયો હતો. આ પછી ધોનીને કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી. જોકે તે પણ ટીમને જીત અપાવી શક્યો ન હતો. સીએસકે આ સિઝનમાં ૧૪ મેચ રમ્યું છે જેમાં ૪ માં વિજય થયો છે અને ૧૦માં પરાજય થયો છે.