માનવી વિચારે છે કાંઇ અને વિધિ કરે છે કાંઇ .રાંધેલા રઝળી પડે છે.આદરેલા અધૂરા રહે છે. મીંઢોળબંધા લીલા તોરણે પાછા આવે છે. કાળા માથાનો માનવી ઉપરવાળાની લીલા સામે લાચાર થઇ જાય છે!!
મુસાફરી માટે સામાન બાંધ્યો હોય, ફરવાનો મુડ બનાવ્યો હોય અને કોઇ માંદુ પડે કે કોઇ ઉકલી જાય અને સામાન ઉકેલવો પડે!! વાવાઝોડું આવે અને રેલવે રદ થાય કે ફલાઇટ કેન્સલ થાય. ધડી ભર તો અકળામણ થાય. હરિ સામે આપણા હવાતિયા ચાલે નહીં.
રેલવે હંમેશા નિયમિતપણે અનિયમિત ચાલે. કેટલીકવાર રેલવે સમયસર હોય તો રેલવે સ્ટાફ વિચારે કે આપણી કયા ભૂલ થઇ કે ગાડી ઇન ટાઇમ છે?? તપાસ કરે પછી પણ ખબર પડે કે આ ટ્રેન આવતીકાલની છે!!! માત્ર ચોવીસ કલાક મોડી છે. યેહ ટ્રેન મિલેંગી ના દુબારા!!!
તમને થશે કે કમને હું કેમ ચિંતનની ચોવટ ચિતરૂં છું? ખરૂં કે નહીં??
અમે કાઠમંડું તા.૧૯.૫.૨૦૨૨ ના રોજ પહોંચ્યા કે વિમાન દ્વારા ગિરિમથકોનો એરિયલ વ્યુ જોવાનું નકરી કર્યું “ ગુન”એરલાઇન્સની ટિકિટ ઓનલાઇન ખરીદી . તા.૨૦.૫.૨૦૨૨ ના રોજ સવારે ચાર વાગ્યે સ્નાદિક ક્રિયા પતાવી લગભગ સવા પાંચ કલાકે ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ, કાઠમંડું-નેપાળ પર પહોંચ્યા. કાલપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ જેવો એરપોર્ટનો એમ્બિયન્સ!!સિકયોરિટી ચેકીંગ થયું. ગુન એરલાઇન્સે બોર્ડિંગ પાસ ઇસ્યુ કર્યું! ગુયુએ-૧૦૧ ફલાઇટ નંબર. ડિરેક્ટર ટાઇમ ૬.૩૦ કલાક. લગભગ સાત વાગ્યે ગેટ -૨ પરથી બોર્ડિંગનું એનાઉન્સમેન્ટ થઇ. બસ મારફત પ્લેનમાં દાખલ થયા.ત્રીસ પેસેન્જરની કેપેસિટી. વિમાનની જમણી બાજુ બે સીટ અને ડાબી બાજુ એક સિટ. અમારા ગ્રુપમાંથી રર જણ વિમાની મુસાફરી કરવા તૈયારી દાખવેલી. પ્લેનની કેપેસિટી ત્રીસની. જેને વિન્ડો સિટ લેવી હોય તેને સ્વતંત્રતા આપવામાં આવી. સીટબેલ્ટ બાંધ્યા. વિમાનની અંદર ફોટોગ્રાફી કરી.
વિમાની કંપનીએ આપેલ લીટરેચર મુજબ ૧૫ ગિરિશૃંગોનો હવાઈ વ્યુ જોવાનો હતો. હદયમાં ઉત્સાહ અને થ્રિલ હતી. આપણે ધરતી પરથી વાદળો જોઇએ એનો નજારો અલગ હોય. વિમાનની બારીમાંથી વાદળો જોઇએ તો મા કસમ અલગ નજારો લાગે. વાદળો કાળા કે સફેદ રૂના ઢગલા જેવા લાગે. મારી જેવા કવિને આકાશ એક તળાવ સરીખું ભાસે!! વાદળા વ્યોમસરોવરમાં મુક્ત મને સ્વચ્છાચારે વિહરતા સ્વચ્છન્દી પોયણા લાગે!!!
એર હોસ્ટેસે કહ્યું કે વેઘર ખરાબ હોવાથી ફલાઇટ કેન્સલ કરેલ છે. ખલ્લાસ. દિલ તૂટી ગયું. દિલ કે ટુકડે ટુકડે થઇ ગયા. દિલ કે અરમાન આંસુઓમાં બહ ગયે. બધા પરાજિત યોદ્ધાની માફક નત મસ્તકે એરપોર્ટ પરથી ધોયેલ મૂળાની જેમ હોટલ પર પરત થયા.
છત્રપતિ શિવાજી મહારાજના સૈન્યે સિંહગઢનો કિલ્લો જીતવા આકર્મણ કરેલું. જેમાં તાનાજીએ બહાદુરીપૂર્વક લડીને સિંહગઢનો કિલ્લો તો જીતી લીધો હતો, પણ એ જીત મેળવવામાં પોતાનો જીવ ગુમાવ્યો હતો.
શિવાજી મહારાજને તેમના આ યોદ્ધાના મોતના સમાચાર મળ્યા ત્યારે તેમણે કહ્યું હતું, “ગઢ આલા, પણ સિંહ ગેલા.” આ મરાઠી વાક્યનો અર્થ એ થાય કે આપણે કિલ્લો તો જીતી લીધો, પણ આપણો સિંહ ગુમાવી દીધો.
અમે તો છત્રપતિ શિવાજી મહારાજ કરતાં વધારે કમનસીબ હતા કેમ કે, અમારા માટે તો ગઢ ગેલા અને સિંહ પણ ગેલા હતા. અમે અમારી સ્પષ્ટ અસ્પષ્ટ હસ્તરેખાને નિહાળતા રહ્યા!!
– ભરત વૈષ્ણવ