સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે : ૪૮ કલાક દરમિયાન તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે, બીજી તરફ હવામાન વિભાગે ૨૫મી તારીખે વરસાદની આગાહી કરી હતી તે પરત ખેંચી છે
અમદાવાદ,તા.૨૩
હવામાન વિભાગે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી દરમિયાન વરસાદની આગાહી પરત ખેંચી છે. પહેલા હવામાન વિભાગે આગાહી કરી હતી કે ૨૫મી મેના રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. આ સમાચાર વચ્ચે રાજ્યના અને જિલ્લાના વાતવરણાં પલટો આવ્યો છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, વાપી, વલસાડ, પાટણ, જેતપુર, રાજકોટનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે. તો વાપીમાં વરસાદી છાંટા પડ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જિલ્લાના સરહદીય વિસ્તાર વાવ, થરાબ, સુઈગામ, ભાભર, ધાનેરા સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતવરણ સર્જાયું છે. આ વિસ્તારોમાં સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે. વાતાવરણમાં પલટાથી ધરતીપુત્રોની ચિંતા વધી છે. વાતાવરણમાં પલટાથી બાજરી, એરંડા, જુવાર સહિતના પાકોને નુકસાનની ભીતિ છે. પાટણ જિલ્લામાં વહેલી સવારથી વાતવરણમાં પલટો જોવા મળ્યો છે. સતત ત્રીજા દિવસે જિલ્લાના વાતવરણમાં પલટો જોવા મળ્યો છે. જિલ્લામાં સવારથી જ ભારે પવન સાથે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. પાટણ જિલ્લાનું આકાશ કાળા ડિબાંગ વાદળોથી ભરાઈ ગયું છે. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા રાહદારીઓને હાલાકી પડી રહી છે. બીજી તરફ ઠંડા પવનો ફૂંકાતા ગરમીથી રાહત મળી છે. જેતપુરમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સવારથી જેતપુરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અચાનક વાતાવરણમાં પલટાથી ગરમીથી રાહત મળી છે. બીજી તરફ ભારે પવનોથી ધૂળની ડમરીઓ ઉડતા રાહદારીઓએ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અહીં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. બીજી તરફ ઠંડો પવન ફૂંકાતા લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી છે. આ દરમિયાન જો કમોસમી વરસાદ થાય તો ઉનાળું મગફળી, તલ સહિતના પાકોને નુકસાનની ભીતિ છે. વાપી શહેરમાં આજે સવારે હળવા છાંટા પડ્યા છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ઘણા જિલ્લાઓમાં સવારથી વાદળછાયું વાતવરણ જોવા મળી રહ્યું છે. વાપી શહેરમાં વરસાદી છાંટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી ૪૮ કલાક દરમિયાન તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે. બીજી તરફ હવામાન વિભાગે ૨૫મી તારીખે વરસાદની આગાહી કરી હતી તે પરત ખેંચી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પવનની દિશા બદલાતા વાતાવરણમાં બદલાવ થયો છે. રાજ્યમાં ગરમીથી આંશિક રાહતના સમાચાર મળી રહ્યા છે. હવામાન વિભાગે હવે વરસાદની આગાહી કરતા લોકોને હાશકારો થયો છે. હાલ રાજ્યમાં ક્યાંય હિટવેવની કોઈ આગાહી નથી. દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાવવાના કારણે ગરમીથી રાહત મળી છે. બીજી બાજુ રાજ્યમાં આગામી દિવસોમાં પ્રિ-મોન્સૂનની એક્ટિવિટી શરૂ થશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં બુધવારે વરસાદ પડશે તેવું હવામાન વિભાગનું કહેવું છે. વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સુરત અને તાપીમાં સામાન્ય વરસાદ પડી શકે છે. નોંધનીય છે કે, ગુજરાતમાં વરસાદના આગમનની ઘડીઓની ઉંઘી ગણતરી શરૂ થઈ ગઈ છે. કારણ કે, ૨૫ મેના રોજ ગુજરાતમાં વરસાદનુ આગમન થશે. ૨૫ મેના રોજ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામા આવી છે. જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપીમાં સામાન્ય વરસાદની આગાહી છે. હવામાન ખાતાના લેટેસ્ટ અપડેટ મુજબ, રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થવા જઈ રહી છે. ૨૫ મે ના રોજ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. રાબેતા મુજબના ચોમાસા અંગે આગામી દિવસોમાં જાહેરાત કરાશે.