બિટકોઈન કાંડ ૧૦૦૦ કરોડનું છે : CID ક્રાઈમનો ધડાકો

1689

 

ગુજરાતભરમાં ખળભળાટ મચાવનારા બિટકોઇન કેસમાં ચોંકાવનારો અને નાટયાત્મ વળાંક આવ્યો છે. આ સમગ્ર બિટકોઇન કૌભાંડના મૂળ ફરિયાદી એવા કહેવાતા બિલ્ડર શૈલેષ ભટ્ટ જ મુખ્ય સૂત્રધાર તરીકે સીઆઇડી ક્રાઇમની તપાસમાં ખુલતાં તપાસનીશ એજન્સીએ શૈલેષ ભટ્ટ સહિતના ૧૦ આરોપીઓ સામે ખંડણી, અપહરણ સહિતના ગંભીર ગુનાની નવી ફરિયાદ દાખલ કરી છે. એટલું જ નહી, સીઆઇડી ક્રાઇમે શૈલેષ ભટ્ટના ભાણેજ નિકુંજ ભટ્ટ અને મુંબઇના શખ્સ દિલીપ કાનાણીની ધરપકડ કરી લીધી છે. બીજીબાજુ, બિટકોઇનનું સમગ્ર કૌભાંડનો આંક રૂ.એક હજાર કરોડથી પણ વધુ હોવાનો ચોંકાવનારો ખુલાસો સીઆઇડી ક્રાઇમે કરતાં કેસમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. સીઆઇડી ક્રાઇમના ડીઆઇજી આશિષ ભાટિયાએ બહુ મહ્‌ત્વનો ખુલાસો કર્યો હતો કે,  સુરતના બિલ્ડર શૈલેશ ભટ્ટ અને તેના સાગરિતોએ સુરતના ધવલ માવાણીનું અપહરણ કરી રૂ.૧૫૧ કરોડના બિટકોઇન પડાવી લીધા હતા.                  સીઆઇડી ક્રાઇમે બિટકોઇન કૌભાંડમાં પત્રકાર પરિષદ કરી આજે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા કે, શૈલેષ ભટ્ટ અને તેના સાગરિતોએ સુરતમાંથી પીયૂષ સાવલિયા નામની વ્યક્તિનું ઇન્કમટેક્સ ઓફિસર તરીકે ઓળખ આપી અપહરણ કર્યું હતું અને ત્રણ દિવસ સુધી તેને એક ફાર્મહાઉસમાં ગોંધી રાખ્યો હતો. શૈલેષ ભટ્ટ આણિમંડળીએ પીયુષ સાવલિયા પાસેથી બિટકોઇન કૌભાંડ માટે ધવલ માવાણીનું સરનામું શૈલેશ ભટ્ટ અને તેના સાગરીતોએ મેળવ્યું હતું અને બાદમાં ધવલ માવાણીનું અપહરણ કરી તેની પાસેથી ૨૨૫૬ બિટકોઇન જેની કિંમત રૂ.૧૩૧ કરોડ થતી હતી, તે પડાવી લીધા હતા. એટલું જ નહી, આરોપીઓએ મુંબઇથી હવાલા મારફતે પણ ૪૦ કરોડથી વધુની રકમ મળી કુલ રૂ.૧૫૧ કરોડ ખંખેર્યા હતા. આ સમગ્ર મામલે સીઆઈડી ક્રાઈમે શૈલેશ ભટ્ટ અને તેના સાગરીતો સામે ગુનો દાખલ કર્યો છે. તો, શૈલેશ ભટ્ટના ભાણેજ નિકુંજ ભટ્ટ અને મુંબઈના દિલીપ કાનાણીની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી છે. સુરતની બિટ કનેકટ કંપનીના માલિક ધવલ માવાણી પાસેથી કરોડો રૂપિયાના બિટકોઇન અને પૈસા પડાવવા માટે શૈલેશ ભટ્ટ અને તેના સાગરીતોએ ગત તા. ૩૦ જાન્યુઆરીના રોજ દિલીપ કાનાણીએ લેપટોપમાં એરર હોવાનું બહાનું કાઢી સુરતના પીયૂષ સાવલિયાને ફોન કરી બોલાવ્યો હતો. સુરત ખાતેના એક ફાર્મહાઉસમાં લઇ જઇ બિટકોઇન અને પૈસા આપવા માટે હથિયાર બતાવી ધમકી આપી હતી. ત્રણ દિવસ સુધી પીયૂષ સાવલિયાને ગોંધી રાખવામાં આવ્યો હતો. પીયૂષ સાવલિયાને ગોંધી રાખી તેઓએ ધવલ માવાણીનું સરનામું લીધું હતું. ધવલ માવાણી સુરતમાં નેક્સા કોઇનમાં રોકાણ કરતી કંપની ધરાવતો હોઇ તેની પાસેથી પૈસા પડાવવાનું કૌભાંડ રચ્યું હતું. પીયૂષ સાવલિયાનું વીડિયો શૂટિંગ ઉતારી લીધું હતું. શૈલેશ ભટ્ટ અને તેના સાગરીતોએ પીયૂષ સાવલિયાને ધમકી આપી તારું અને ધવલ માવાણીનું અપહરણ કરી કરોડો રૂપિયા પડાવી લીધા છે તેની વાત કોઇને કરતો નહીં અને સુરત છોડી દેજે તેવી ધમકી આપી છોડી દીધો હતો. પીયૂષ સાવલિયા ડરના માર્યા ત્રણ માસથી સુરતથી બહાર જતો રહ્યો હતો. ઘટના બાદ પણ પીયૂષ સાવલિયાને ડરાવી ધમકાવી વિદેશી મોકલી દીધો હતો.  વિદેશથી પરત આવતા શૈલેશ ભટ્ટ અને તેના સાગરીતોએ કોઇ અપહરણ કર્યું નથી તેવું સોગંદનામું પણ શૈલેશ ભટ્ટ અને તેના સાગરીતોએ કરાવ્યું હતું. આ તમામ ઘટના અંગે મોઢું બંધ રાખવા લાલચરૂપે રૂ.૩૪.પ૦ લાખ આપ્યા હતા. સુરત સીઆઈડી ક્રાઈમ બ્રાંચની ઓળખ આપી કિરીટ વાળા અને જિજ્ઞેશ મોરડિયાએ સુરતના ધવલ માવાણીનું ફોર્ચ્યુનર ગાડીમાં અપહરણ કર્યું હતું. અપહરણ કર્યા બાદ ધવલ માવાણીને માર મારી નિકુંજ ભટ્ટ મારફતે ધવલ માવાણીના લેપટોપમાંથી રરપ૬ બિટકોઇન એટલે કે કુલ ૧૩૧ કરોડના બિટકોઇન રિવોલ્વરની અણીએ શૈલેશ ભટ્ટના મોબાઇલમાં રહેલા બ્લોક ચેઇન વોલેટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. ઉપરાંત ધવલ માવાણી પાસેથી વધુ રકમ પડાવવા ૧૧ હજાર જેટલા લાઇટ કોઇન કિરીટ પાલડિયાના બિનાન્સ એકસચેન્જ વોલેટમાં બળજબરીથી ટ્રાન્સફર કરાવ્યા હતા. એક હજાર લાઇટ કોઇનને ૧૬૬ બિટકોઇનમાં કિરીટ પાલડિયાએ ટ્રાન્સફર કર્યા હતા. ધવલ માવાણી પાસેથી કરોડો રૂપિયાની કિંમત પડાવ્યા બાદ તેને મુક્ત કરવા માટે વધુ રૂપિયાની માગણી કરી હતી. જેથી ધવલ માવાણીએ તેની કંપનીના કેશિયર મારફતે રૂ.૧૪.પ૦ કરોડ સુરતની આંગડિયા પેઢીમાં જમા કરાવ્યા હતા અને ઇન્કમટેકસના પીઆઇના નામે આંગડિયા પેઢીમાં મુંબઇ મોકલાવ્યા હતા.

સમગ્ર કૌભાંડની જાણ કોઇને ન કરવા ડરાવી ધમકાવી દેશ છોડવાની ધમકી આપી ધવલ માવાણીને મુક્ત કરાયો હતો. રૂ.૧૪.પ૦ કરોડ મુંબઇથી શૈલેશ ભટ્ટે તેના સાગરીત રિતેશ જોટાસણાએ રૂ.૧૦ કરોડ સુરતમાં મેળવ્યા હતા અને બાકીના ચાર કરોડ ગાંધીનગર ઇન્ફોસિટીમાં મેળવ્યા હતા. બાકીના રૂપિયા રૂ.૬૦ લાખ કિરીટ પાલડિયા પાસેથી આંગડિયા દ્વારા મેળવ્યા હતા. આમ રૂ. ૧પપ કરોડના બિટકોઈન પડાવી લેવાના કેસમાં શૈલેશ ભટ્ટના ભાણા નિકુંજ ભટ્ટની બે દિવસ પહેલાં સીઆઈડી ક્રાઈમ રાજકોટથી અટકાયત કરી ગાંધીનગર લઈ આવી હતી, જેની પૂછપરછમાં અનેક ખુલાસા થવા પામ્યા હતા. જેને પગલે હવે બિટકોઇન કૌભાંડના મૂળ ફરિયાદી એવા શૈલેષ ભટ્ટ ફરતે જ ગાળિયો કસાઇ ગયો છે. હાલમાં સીઆઇડી ક્રાઇમે શૈલેષ ભટ્ટ, જિજ્ઞેશ મોરડિયા, નિકુંજ ભટ્ટ, ઉમેશ બાવાજી, જે.કે. રાજપૂત, દિલીપ કાનાણી, હિતેશ જોટાસણા અને અન્ય ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી બે શખસની ધરપકડ કરી છે. આરોપી દિલીપ કાનાણીના બ્લોક ચેઇન વોલેટમાંથી ૧પર બિટકોઇન એટલે કે ૮.પ૮ કરોડના બિટકોઇન સીઆઇડી ક્રાઇમે જપ્ત કર્યા છે હાલ શૈલેશ ભટ્ટ ફરાર છે. આ મામલે સીઆઇડી ક્રાઇમના વડા આશિષ ભાટિયાએ જણાવ્યું કે સુરતના વેપારીઓએ અલગ અલગ સ્કીમમાં ૧,૦૦૦ કરોડ કરતાં વધુ રૂપિયાનું બિટકોઇનમાં રોકાણ કર્યું હતું, જે કંપનીમાં રોકાણ કર્યું હતું તે બિટકનેક્ટ કંપની ડૂબી ગઇ છે, જેની હજુ સુધી કોઇ ફરિયાદ આવી નથી. શૈલેષ ભટ્ટના નાણાં પણ તેમાં ડૂબ્યા હતા, તેથી તેણે આ બિટકોઇન કૌભાંડનો ખેલ પાર પાડયો હતો.  શૈલેશ ભટ્ટે તેના સાગરીતો કિરીટ વાળા, જિજ્ઞેશ સહિતના લોકોએ સુરત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ બની ધવલ માવાણીનું અપહરણ કરી તેની પાસેથી કરોડો રૂપિયાના બિટકોઇન પડાવી લીધા હતા, જેમાં ૭૦૦ બિટકોઇન શૈલેશ ભટ્ટ, પ૦૦ બિટકોઇન જિજ્ઞેશ તેમજ ૩૬૦ બિટકોઇન કિરીટ વાળા, ૩૬૦ બિટકોઇન દિલીપ કલાણી અને ૩૬૦ બિટકોઇન રાજુ દેસાઇના ભાગે આવ્યા હતા. ધવલ પાસેથી રરપ૬ બિટકોઇન અને ૧૧,૦૦૦ લાઇટ કોઇન પડાવી લીધા હોવાનું તપાસમાં ખૂલ્યું હતું.

Previous articleસરદારનગરમાં કપિરાજનું આગમન
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSBપરીક્ષાની તૈયારી માટે