રાજુ રદી જગતનો પ્રથમ ઉધાડપગો વરરાજા બન્યો (બખડ જંતર)

39

રાજુ. તારું લગ્નનું બજેટ કેટલું છે?” રાજુ રદીનું માંડમાંડ લાકડે માંકડું વળગ્યું. પાંચ ગામે પદરના ખર્ચે પેંડા વહેંચ્યા. રાજુ કરતાં ગામલોકોને ખુશી હતી. એક અડચણ હતી તે દૂર થઇ.
લગ્ન હોય એટલે બજેટ પણ બનાવવું પડે. દુલ્હનના વસ્ત્રો , જૂતા,અલંકાર, સૌંદર્ય પ્રસાધન, વરના કપડાંલતા, જૂતા, પરફયુમ, પહેરામણી, જમણવાર, વરઘોડા, આતિશબાજી, પાર્ટીપ્લોટનું ભાડું, સંગીતસંધ્યા , ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી જાન લઇ જવા માટેના વાહનનો ખર્ચ,વગેરે માટે કેટલો ખર્ચ થશે તેનો અંદાજ લગાવવો પડે છે. અલબત,અંદાજો કદાપિ સાચા પડતા નથી તે બાબત અલગ છે. આ ખર્ચ માટે રૂપિયાની વ્યવસ્થા કરવી પડે છે!!
એક કટાક્ષિકા વાંચેલી હતી. એક ભાઇએ લગ્ન માટે જુદી જુદી સમિતિ બનાવેલી. દરેક કામને સેકશનમાં વહેંચી નાંખેલું. દરેકને ફંડ ફાળવેલ હતું. લગ્નનું કામ પ્લાનિંગ મુજબ કાર્યાન્વિત થયેલું. એ દરરોજ સેકશનવાઇઝ ખર્ચનું મોનિટરિંગ કરતો હતો. જ્યારે અંદાજ મુજબ ખર્ચની રકમ પહોંચી એટલે એણે સેલિબ્રેશન કર્યું. તમામને આઇસ્ક્રિમ ખવડાવ્યો!! બીજા દિવસે દુલ્હનની બેનો વરના જૂતાંની ચોરી કરે તેને ચુકવવાના મહેનતાણાની રકમ અંદાજ સામે ૧૦૦૦% વધી ગઇ!! પહેલાં ભાઇને અંદાજ ખોટા પડવાનો આઘાત લાગ્યો. અંદાજ સામે ખરેખર ખર્ચમાં ઓગણીસ- વીસનો તફાવત હોય તો સ્વીકાર્ય બંને! કદાચ ઓગણીસ-એકયાંશીનો તફાવત હોય તો ઓકે કરવું પડે. અપિતું, એક હજાર ટકાનો તફાવત એટલે લા હૌલ કુવ્વત કહેવાય. એ અંદાજઘેલા આદમીએ લગ્ન માંડી વાળેલા.
રાજુ રદી અખબાર અને ચેનલોમાં આવેલા સમાચારથી બેવડ વળી ગયો. એના ભાલ પ્રદેશમાં પરસેવાના ફુવારા વછૂટ્યા.
રાજુએ લગ્નનું કુલ બજેટ ત્રણચાર લાખ નક્કી કરેલ . રાજુના જૂતા ચોરનાર સાળીઓને પાંચસો રૂપિયા આપવાનું નક્કી કરેલ. રાજુના જૂતાંની કિંમત અઢીસો રૂપરડી. એના જૂતા કંઇ ગુચી, નાઇકી કે એડીદાસની થર્ડ કોપી પણ નહીં. રાજુના જૂતા મોચીકા જૂતા ( મોચીકા જૂતા નામની જૂતાંની બ્રાંડ છે. ભલાદમી જૂતા તો મોચીના જ હોયને? કંદોઈ કે સોનીના જૂતા વિશે સાંભળ્યું છે કદી?)
એવામાં રણવીર કપૂરના લગ્નમાં જૂતા ચોરી માટે આલિયાની સખીઓને એક લાખ આપશે એ સમાચારે રાજુ રદીના મગજનો બાટલો ફાટ્યો!!સાલ્લું ફિલ્મ સ્ટાર તો કરોડોમાં આળોટતા હોય. કોઇ ઇવેન્ટમાં હાજરી આપી ફેન્સ તરફ હાથ હલાવવાના દસ- વીસ લાખ મફતમાં મળી જાય. કોઇ હેર સલૂનનું ઉદઘાટન કરવા જાય તો પચાસ લાખ ખંખેરીને આવે.લોકો તો એકટર સ્ટાર કરે તેમ કરતા હોય!રાજુ રદી જેવાનો વિચાર કરવો જોઇએ કે નહીં?
અંતે રાજુને એક આઇડિયા આવ્યો. આઇડિયા ભલભલાની જીંદગી બદલી નાંખે છે તો રાજુ કયાં ચીજ હૈ? રાજુ કયાં નાચીઝ હૈ??
રાજુએ જૂતા ચોરણી (અરે યાર,પહેરવાની ચોરણી નહીં. ચોર એ પુલિંગ છે. તો ચોરનું સ્ત્રીલિંગ ચોરણી થાય કે નહીં?)ને પૈસા ચુકવવા ન પડે એટલે લગ્ન કરવા ઉઘાડા પગે જવાનું નક્કી કર્યું !! ન રહેંગા બાંસ ન રહેંગી બાંસૂરી!!રાજુ રદીને જગતના પ્રથમ ઉઘાડપગા- છપ્પરપગાવરરાજાનું (અપમાન) બહુમાન મળ્યું!!

– ભરત વૈષ્ણવ

Previous articleહરિયાણાના ક્રિકેટરે ઋષભ પંત સાથે ૧.૬૩ કરોડની છેતરપિંડી કરી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે