ચીનમાં લોકડાઉનને કારણે આર્થિક સ્થિતી કથળી, બેરોજગારીનો દર ૫ ટકાથી વધુ

46

૫૩૮ વિદેશી કંપની ચીનથી સિંગાપોર અને હોંગકોંગ શિફ્ટ થઇ
બીજીંગ,તા.૨૪
ચીનની આર્થિક સ્થિતિ ખરાબ હોવા છતાં રાષ્ટ્રપતિ જિનપિંગ લૉકડાઉનનો નિર્ણય એટલા માટે લઈ રહ્યા છે કેમ કે, તેમને ઓક્ટોબરમાં યોજાનારી ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના અધિવેશનમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટાઈ જવાની વધારે ચિંતા છે. જિનપિંગ સારી રીતે જાણે છે કે લૉકડાઉનથી આર્થિક સ્થિતિ બગડી છે. લોકો ઘરોમાં કેદ છે. બેરોજગારીનો દર ૫ ટકાથી વધુ છે. જિનપિંગ વિચારી રહ્યા છે કે, કોરોના સંક્રમણના વધુ કેસ નોંધાશે તો તેમણે લોકોના રોષનો સામનો કરવો પડશે. શાંઘાઈમાં સોમવારે પણ ૮ હજાર નવા કેસ નોંધાયા હતા. રાષ્ટ્રપતિ શી જિનપિંગની ઝીરો કોવિડ પોલિસી હવે ચીન માટે જ મુશ્કેલી ઊભી કરી રહી છે. ગત બે મહિનાથી ચીનનાં ૨૬ શહેરોની લગભગ ૪૦ કરોડની વસતી આંશિક તથા પૂર્ણ લૉકડાઉનમાં છે. જલદી લૉકડાઉનનો અંત આવવાના કોઈ સંકેત ન હોવાના કારણે ચીનમાં રજિસ્ટર્ડ લગભગ સાડા ૧૦ લાખ વિદેશી કંપનીઓ અને ઈન્વેસ્ટરોમાંથી ૨૩ ટકા એટલે કે ૨.૪૧ લાખે પેકઅપનું કાઉન્ટડાઉન શરૂ કરી દીધું છે. એટલે કે આ કંપનીઓ ચીનમાંથી પોતાનો બિઝનેસ સમેટી લેવાની છે. લૉકડાઉન સહન કરી રહેલા ચીનની આર્થિક રાજધાની શાંઘાઈમાં જ લગભગ ૭૦ હજાર વિદેશી ઈન્વેસ્ટર આધારિત કંપનીઓ છે. તેમાં લગભગ અડધીથી વધુ કંપનીઓએ તેનો બિઝનેસ સમેટી પણ લીધો છે. બે મહિનાથી તમામ વિદેશી કંપનીઓ પર તાળાં છે. રાજધાની બેઈજિંગમાં પણ લગભગ ૩૫ હજાર વિદેશી કંપનીઓ છે જેમાંથી લગભગ ૧૦ હજાર વિદેશી કંપનીઓ તેમનો બિઝનેસ સંપૂર્ણપણે સમેટી ચૂકી છે. ચીનની સપ્લાય લાઈન લૉકડાઉનને લીધે સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. વર્લ્‌ડ બેન્કે પણ ચીનના આર્થિક વિકાસદરના અનુમાનને ઓક્ટોબર ૨૦૨૧ના ૫.૫ ટકાથી એપ્રિલ ૨૦૨૨માં ઘટાડી ૪.૪ ટકા કરી દીધો છે. ચીનમાં સ્થિત અમેરિકી અને યુરોપિયન ચેમ્બર ઓફ કોમર્સ અનુસાર ગત બે મહિનામાં ૫૩૮ વિદેશી કંપની ચીનમાંથી નીકળી ચૂકી છે. તેમાંથી મોટા ભાગે દક્ષિણ પૂર્વ એશિયાના દેશ જેવા કે સિંગાપોર, વિયેતનામ અને હોંગકોંગ છે. ચીનમાં લૉકડાઉન અને જિનપિંગ સરકારના આદેશને કારણે આ દક્ષિણ-પૂર્વ દેશોએ ચીનથી શિફ્ટ થનારી કંપનીઓને ટેક્સ અને અન્ય પ્રકારની રાહત પણ આપી છે. યુરોપિયન ચેમ્બરના સ્ટીવ લ્યૂક અનુસાર ભારત અને બાંગ્લાદેશમાં પણ સંભાવનાઓ ચકાસવામાં આવી રહી છે. ચીનમાં લૉકડાઉનના કારણે એપલને ૬૨ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. એક રિપોર્ટ અનુસાર એપલ ચીન પર ઉત્પાદનની નિર્ભરતાને ખતમ કરવા હવે ભારતમાં આઈફોન બનાવી શકે છે. એક રિપોર્ટ મુજબ લૉકડાઉનને કારણે ભારતનો ચીન સાથે વેપાર સંતુલન ગત વર્ષની તુલનાએ વધી ગયું છે. ૨૦૨૧માં ભારતનો ચીન સાથે વેપાર સંતુલન જ્યાં ૩.૪૧ લાખ કરોડ રૂ. હતું જે ૨૦૨૨માં અત્યાર સુધી વધી ૫.૪૬ લાખ કરોડ રૂપિયા થયું હોવાનું અનુમાન વ્યક્ત કરાયું છે.

Previous articleવધતા ભાવ પર કાબૂ માટે કેન્દ્ર ખાંડની નિકાસ ઉપર પ્રતિબંધ લાદી શકે છે
Next articleભાવનગર મહાનગરપાલિકા દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગર બેહનોને નિમણૂંક પત્રક એનાયત કરાયા