અધિકારીએ જણાવ્યું કે હુમલાખોર શખ્સ જૂનો વિદ્યાર્થી છે, આ ઘટના સૈન એન્ટોનિયોથી ૮૦ કિલોમીટર પશ્ચિમમાં આવેલા નાનકડા વિસ્તાર ઉવાલ્ડેની છે
ટેક્સાસ,તા.૨૫
અમેરિકાના ટેક્સાસમાં આવેલી એક સ્કૂલમાં ફાયરિંગની હચમચાવી દેનારી ઘટના બની છે. હુમલાખોરે સ્કૂલમાં ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું છે, જેમાં ૧૮ નિર્દોષ બાળકોના મોત થઈ ગયા છે. જ્યારે શિક્ષક સહિત ત્રણ સ્ટાફના જીવ પણ ગયા છે. ટેક્સાસના સીનેટરમાં બનેલી આ ઘટનામાં કુલ ૨૧ લોકો ઘાયલ થયા છે. હુમલાખોરનું પોલીસની જવાબી કાર્યવાહીમાં મોત થઈ ગયું છે. ટેક્સાસના ગવર્નર ગ્રેટ એબોટે પ્રાથમિક સ્કૂલની અંદર થયેલી આ ઘટના અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે હુમલાખોરની ઉંમર ૧૮ વર્ષ હતી. ટેક્સાસની જે સ્કૂલમાં અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું તેનું નામ રોબ એલિમેન્ટ્રી સ્કૂલ છે. હુમલાખોર ૧૮ વર્ષના યુવક હતા, જેણે ફાયરિંગ કરીને ૧૮ વર્ષના માસૂમ વિદ્યાર્થિઓનો ભોગ લીધો છે. ટેક્સાસના ગવર્નર ગ્રેટ એબોટના જણાવ્યા પ્રમાણે પોલીસે વળતી કાર્યવાહી કરીને હુમલાખોરને ઠાર કર્યો છે. આ ઘટના અંગે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડને ગ્રેટ એબોટ સાથે વાત કરી અને તમામ શક્ય મદદ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અમેરિકાનના રાષ્ટ્રપ્રમુખે ટેક્સાસની પ્રાથમિક સ્કૂલમાં થયેલા હુમલાની ઘટના અંગે નિંદા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે એક રાષ્ટ્રના રૂપમાં આપણે પૂછવું પડશે કે ભગવાનના નામે ક્યાં સુધી બંદૂકની લોબી માટે ઉભા હશે અને તેની સામે શું કરી શકીએ? જે માતા-પિતા તેમના બાળકોને ફરી ક્યારેય જોઈ નહીં શકે, તેમના વિશે વિચારવાની જરુર છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે કહ્યું કે હવે એક્શન લેવાનો સમય આવી ગયો છે. આપણે એ લોકોને જણાવવાની જરુર છે જેઓ કાયદાની વિરુદ્ધમાં જઈને બંદૂક ઉઠાવે છે, તેમને અમે માફ નહીં કરીએ. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે હુમલાખોર શખ્સ જૂનો વિદ્યાર્થી છે. આ ઘટના સૈન એન્ટોનિયોથી ૮૦ કિલોમીટર પશ્ચિમમાં આવેલા એક નાનકડા વિસ્તાર ઉવાલ્ડેની છે. હુમલાખોર શખ્સે ઘટના પહેલા પોતાની કાર સ્કૂલની બહાર મૂકી હતી. પછી સ્કૂલમાં ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ શરુ કર્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે હુમલાખોર પાસે હેન્ડગન પણ હતી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડને ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. સાથે જ અધિકારીઓને આ મામલે જરુરી નિર્દેશ આપ્યા છે. અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગની ઘટના અગાઉ પર બની છે. આ પહેલા ડિસેમ્બર ૨૦૧૨માં પણ ટેક્સાસની એક સ્કૂલમાં ગોળીબારની ઘટના બની હતી. જેમાં સેન્ડી હુક સ્કૂલમાં ફાયરિંગ થયું હતું, આ ઘટનામાં ૧૬ લોકોના મોત થઈ ગયા હતા. આ દુઃખદ ઘટનાને લઈને ગવર્નરે જણાવ્યું કે સ્કૂલમાં આવી ઘટના કઈ રીતે બની તેનની તપાસ કરવામાં આવી રહી છે. આખરે ૧૮ વર્ષનો હુમલાખોર ગન સાથે કઈ રીતે સ્કૂલમાં પહોંચ્યો? ૨૩ વર્ષ પહેલા ૨૦ એપ્રિલ ૧૯૯૯માં પણ અમેરિકાના ઇતિહાસમાં સ્કૂલમાં ગોળીબારની હચમચાવી દેનનારી ઘટના બની હતી. જ્યારે સ્કૂલમાં ભણતા બે વિદ્યાર્થીઓ રાઈફલ, પિસ્તોલ અને વિસ્ફોટક લઈને પહોંચ્યા હતા અને અંધાધૂંધ ગોળીઓ ચલાવી હતી. તેમણે તેમની સાથે ભણતા ૧૨ વિદ્યાર્થીઓના જીવ લીધા હતા. આ દરમિયાન ૨૧ લોકો ઘાયલ થયા હતા. પાછલા મહિને એપ્રિલમાં અમેરિકાના રાજ્ય કેલિફોર્નિયાની રાજધાની સેન્ક્રોમેન્ટોંના એક વ્યસ્ત વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની હતી. આ હુમલામાં ૧૫ જેટલા લોકોના મોત થયા હતા.
પાંચ વર્ષમાં યુએસની સ્કૂલોમાં ૧૦૦થી વધુ ગોળીબારની ઘટના
અમેરિકાના ટેક્સાસમાં થયેલા ગોળીબારમાં ૨૧ લોકોના મૃત્યુ થયા છે. મૃતકોમાં ૧૮ માસૂમ બાળકો પણ સામેલ હતા. આ પ્રથમ ઘટના નથી કે, જ્યારે અમેરીકામાં સ્કૂલોને ટાર્ગેટ બનાવવામાં આવી હોય. છેલ્લા ઘણા વર્ષોથી અમેરિકામાં સ્કૂલોમાં ગોળીબારની અનેક ઘટનાઓ બની છે. આંકડા પ્રમાણે છેલ્લા ૫ વર્ષોમાં સ્કૂલોમાં ગોળીબારની ૧૦૦થી વધુ ઘટનાઓ સામે આવી ચૂકી છે. બીજી તરફ આ વર્ષે અમેરિકામાં સામૂહિક ગોળીબારની ૨૦૦થી વધુ ઘટનાઓ બની છે. અમેરીકામાં સતત સ્કૂલોને ટાર્ગેટ બનાવવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક આંકડાઓને જોઈએ તો ટેક્સાસમાં જ સ્કૂલની અંદર ગોળીબારની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. ૨૦૧૬માં ટેક્સાસના અલ્પાઈન સ્કૂલમાં પણ આ જ પ્રકારનો ગોળીબાર થયો હતો. આ ગોળીબારમાં એક સ્કૂલની વિદ્યાર્થીનીનું મૃત્યુ થઈ ગયું હતું. ત્યારબાદ ૨૦૧૮માં આવી જ ઘટના બની હતી. ત્યાં ટેક્સાસના સેન્ટ ફે સ્કૂલમાં ૧૭ વર્ષના હુમલાખોરે બાળકો પર ગોળી ચલાવી દીધી હતી જેમાં ૧૦ લોકોના મૃત્યુ થઈ ગયા હતા. ગયા વર્ષે ૨૦૨૧માં પણ ટિમ્બરવ્યુ સ્કૂલમાં ગોળીબાર થયો હતો. ટેક્સાસ ઉપરાંત અમેરીકાની અન્ય સ્કૂલોમાં પણ આવી જ ઘટના બની ચૂકી છે. ૨૦૧૨માં અમેરિકાના ન્યૂ ટાઉનના સેન્ડી હુક સ્કૂલમાં ગોળીબાર થયો હતો. જેમાં ૨૬ લોકોના મૃત્યુ થયા હતા જેમાં ૨૦ સ્કૂલના બાળકો અને ૬ શિક્ષકો સામેલ હતા. અમેરિકાના સ્વતંત્ર ડેટા સંગ્રહ કરતું સંગઠન ગન વાયલન્સ આર્કાઈવ ના રિપોર્ટ પ્રમાણે ૨૦૨૨માં અત્યાર સુધીમાં ૨૧૨ સામૂહિક ઘટનાઓ સામે આવી ચૂકી છે. આ ઉપરાંત અમેરિકામાં ૨૦૨૧માં ૬૯૩ સામૂહિક ઘટનાઓ બની છે. ૨૦૨૨માં ૬૧૧ સ્થળો પર ગોળીબાર કરવામાં આવ્યો તો ૨૦૧૯માં ૪૧૭ સ્થળો પર આવી જ ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો છે. આંકડા પ્રમાણે ૨૦૨૧માં અમેરિકાની સ્કૂલોમાં ગોળીબારની ૩૪ ઘટનાઓ બની હતી. ૨૦૨૦માં ૧૦ સ્કૂલો તો ૨૦૧૮ અને ૨૦૧૯માં ૨૪-૨૪ ઘટનાઓ બની છે. ૨૦૨૨માં અત્યાર સુધીમાં ૨૭ સ્કૂલોમાં ગોળીબારની ઘટના બની છે. અમેરિકામાં આ પ્રકારની ઘટનાઓ થવા પાછળનું મહત્વનું કારણ ત્યાંનું ગન એક્ટ છે. અમેરિકામાં ગન કલ્ચરનો સબંધ ત્યાંના સંવિધાન સાથે જોડાયેલો છે. ધ ગન કંટ્રોલ એક્ટ ૧૯૬૮ (જીસીએ)ના જણાવ્યા પ્રમાણે રાઈફલ અથવા કોઈ પણ નાનું હથિયાર ખરીદવા માટે ઓછામાં ઓછી ૧૮ વર્ષની ઉંમર હોવી જોઈએ અને હેન્ડગન જેવા અન્ય હથિયાર ખરીદવા માટે ૨૧ વર્ષની ઉંમર હોવી જોઈએ. અહેવાલ પ્રમાણે ૩૩ કરોડની વસતી વાળા અમેરિકામાં સામાન્ય નાગરિકો પાસે ૩૯ કરોડ હથિયાર છે.