મુંબઇ,તા.૨૬
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બેટ્સમેન રજત પાટીદારે લખનઉ સુપર જાયન્ટ્સ સામેની એલિમેટર મેચમાં આક્રમક અણનમ સદી ફટકારી હતી. રજત પાટીદારે લખનઉ સામે ૧૧૨ રનની અણનમ ઇનિંગ રમી હતી. તેની ઇનિંગની મદદથી બેંગ્લોરે લખનઉને ૨૦૮ રનનો ટાર્ગેટ આપ્યો હતો. રજતે આ મેચમાં સદી ફટકારી અનેક રેકોર્ડ બનાવ્યા હતા.આઇપીએલની નોકઆઉટ અથવા પ્લેઓફ મેચમાં સદી ફટકારનાર તે પાંચમો ખેલાડી બની ગયો છે. રજતે લખનઉ સામે ૫૪ બોલમાં ૧૧૨ રનનની ઇનિંગ રમી હતી જેમાં તેણે ૧૨ ચોગ્ગા અને ૭ છગ્ગા ફટકાર્યા હતા. આ ઇનિંગના કારણે પાટીદારે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તે આઇપીએલમાં સદી ફટકારનાર ચોથો અનકેપ્ડ ખેલાડી બની ગયો છે. આ અગાઉ મનીષ પાંડેએ ૨૦૦૯માં સદી ફટકારી હતી. જ્યારે દેવદત્ત પડિકલે ૨૦૨૧માં સદી ફટકારી હતી. આઇપીએલ પ્લેઓફ મેચમાં સૌથી ઝડપી સદી ફટકારવાના મામલે રજત ટોચ પર પહોંચી ગયો હતો. તેણે રિદ્ધિમાન સહાના રેકોર્ડની બરાબરી કરી હતી. બંને ખેલાડીઓએ ૪૯ બોલમાં સદી પૂરી કરી હતી.