વિકાસ ગૃહની દીકરીઓ અનાથ નથી, સમગ્ર સમાજ તેનો વાલી છે- શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી

70

આગલાં જન્મના પૂણ્યકર્મો અને સંસ્કાર હોય ત્યારે કન્યાદાન જેવો અવસર સાંભળતો હોય છે- સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીપ્રદિપભાઈ પરમાર
તાપીબાઇ વિકાસ ગૃહના ઉપક્રમે આજે યોજાયેલાં લગ્ન પ્રસંગે શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, તાપીબાઈ ગૃહની દીકરીઓ અનાથ નથી. સમગ્ર સમાજ તેમનો વાલી છે. મેં અને મારા પરિવારે યથાશક્તિ સેવા ભાવથી આ લગ્ન કરાવ્યાં છે. તેમાં કોઇ મોટા થવાનો ભાવ નથી, ફક્ત સમભાવ અને સંસ્કારોથી તેની સાથે જોડાયાં છીએ. તેમણે આ સંસ્થા વિશે કહ્યું કે, આ સંસ્થા દ્વારા દીકરી માટેના ઘર ની પૂરતી તપાસ કરવામાં આવે છે અને યોગ્ય જણાય તો જ દીકરી માટે લગ્નની વાત આગળ વધારવામાં આવે છે. એટલે કે, એક દ્રષ્ટિએ દીકરીના માતા-પિતા દીકરીના લગ્ન માટે જે કાળજી રાખે તેવી કાળજી સંસ્થા દ્વારા લેવામાં આવે છે. બંને દીકરીઓને શુભકામના પાઠવતાં તેમણે કહ્યું કે, હવે પછી આ સંસ્થાની જે પણ દીકરીઓના લગ્ન થશે તે સુખી થાય, તેમના જીવનમાં વસંત ખીલી રહે. આ સંસ્થાની દીકરીઓ સમાજની દિકરીઓ બની રહે, સમાજના આશીર્વાદ તેમનાં પ્રત્યે વહેતા રહે તેવી અભ્યર્થના પણ તેમણે વ્યક્ત કરી હતી.

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદિપભાઈ પરમાર જણાવ્યું કે, અગાઉના જન્મમાં સારાં પૂણ્યકર્મો કર્યા હોય ત્યારે કન્યાદાન જેવો રૂડો અવસર સાંપળતો હોય છે. વિકાસ ગૃહના સંચાલકો તેમજ વાઘાણી પરિવારે આવાં શુભ કાર્યમાં યોગદાન આપવાં માટે મંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતાં. મેયર કીર્તિબાળા દાણીધારીયા જણાવ્યું કે, આપણે ત્યાં કન્યાદાન એ સૌથી મોટું દાન ગણાય છે. આપણાં ઘરે દીકરીનો પ્રસંગ હોય ત્યારે એક વર્ષ સુધી તૈયારીઓ કરીએ ત્યારે પણ ભેગો ન થાય તેવો કરિયાવર આ લગ્નમાં કરવામાં આવ્યો છે અને લગ્ન પણ શાનદાર રીતે કરવામાં આવ્યાં છે. કહેવાય છે કે, દીકરી બે કુળને તારે છે તેમ જણાવી તેમણે કહ્યું કે, તાપીબાઈ સંસ્થા દીકરીઓને સારા સંસ્કાર આપે છે, તેમના સંસ્કારથી તેઓ જે ઘરમાં જશે તેને પણ સંસ્કારથી સુવાસિત કરશે. સંસ્થાના અગ્રણી ગીરીશભાઈ વાઘાણીએ જણાવ્યું કે, સમાજ શ્રેષ્ઠીઓના ટેકા આવાં સત્કાર્યો સફળ થતાં હોય છે. આ અગાઉ પણ આ સંસ્થા દ્વારા આવાં ૧૨૫ લગ્ન સફળતાપૂર્વક કરવામાં આવ્યાં છે. આગળ પણ સેવાની જ્યોત સમાજ સહકારથી ઝળહળતી રહે તેવી કામના તેમણે વ્યક્ત કરી હતી. આ લગ્નમાં જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહિર, મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના કુલપતિશ્રી એમ.એમ ત્રિવેદી, લગ્નમાં ફાળો આપનાર સમાજસેવી સંસ્થાના પ્રતિનિધિઓ, ભાવનગરના પ્રતિષ્ઠિત નાગરિકો, અધિકારીઓ અને તાપીબાઇ વિકાસ ગૃહ સંસ્થાના ટ્રસ્ટીઓ જોડાયાં હતાં.

Previous articleદેહવિક્રય પણ એક વ્યવસાય, અન્યોની જેમ મૂળભૂત અધિકાર મળવા જોઈએ
Next articleતાપીબાઇ વિકાસ ગૃહ સંસ્થામાંથી લગ્ન કરાવેલ પાંચ દંપતીઓ પણ દીકરીઓને પ્રોત્સાહિત કરવાં લગ્નમાં ઉપસ્થિત રહ્યાં