ભાવનગરના શિહોર ખાતે ૨૦૭ આંગણવાડી કાર્યકર અને તેડાગરની ઓનલાઇન ભરતી અન્વયે નિમણૂંક પત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયો

51

રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ પારદર્શી અને ઓનલાઈન રીતે ભરતી પ્રક્રિયાની પદ્ધતિ વિકસિત કરવામાં આવી છે : સાંસદ ડૉ.ભારતીબેન શિયાળ
ભાવનગરના સિહોર ખાતે ભાવનગર જીલ્લા પંચાયતના સંકલિત બાળ વિકાસ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી કાર્યકર અને તેડાગરની ઓનલાઇન ભરતી અન્વયે નિમણૂંક પત્ર વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. શિહોરના બંધન પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલાં આ કાર્યક્રમને સંબોધન કરતાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી આર.સી મકવાણાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા તમામ વર્ગોનો વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવ્યા છે. આજનું બાળક આવતીકાલનો ભારતનું ભવિષ્ય છે, ત્યારે આવાં બાળકોને આંગણવાડીમાં સારી સુવિધા સાથે સારાં શિક્ષણ અને સંસ્કાર મળે તે માટે રાજ્યના છેવાડાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી આંગણવાડીઓમાં પણ તેડાગર અને કાર્યકરની ભરતી થાય તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે ભરતી કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા અભયમ, ૧૦૮ જેવાં સુરક્ષાના પગલાં સાથે તેમને આર્થિક રીતે પગભર બનાવવા માટે સખીમંડળો જેવી આત્મનિર્ભર બનાવવાની યોજનાઓ દ્વારા મહિલાઓ આર્થિક રીતે પગભર બને તે માટે અનેક પગલાઓ ઉઠાવવામાં આવ્યાં છે તેની વિસ્તૃત સમજ આપી હતી.સાંસદ ડૉ. ભારતીબેન શિયાળે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા તમામ ભરતીઓ ઓનલાઈન અને પારદર્શક રીતે કરવામાં આવે છે. જેથી રાજ્યના દરેક ખૂણાનાં લોકોને સમાન અવસર મળે અને પારદર્શિતાથી ભરતી થાય. તેમણે વધુમાં જણાવ્યું કે, એક સાથે આટલી બધી મહિલાઓને નિમણૂંક પત્ર આપવાનાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતાં એક મહિલા હોવાના નાતે મને આનંદ થાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, તમારામાં જે સ્ફૂર્તિ અને ઊર્જા દેખાઈ રહી છે. તેથી અમને પણ વધુ કાર્ય કરવાનો જુસ્સો મળે છે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ, જિલ્લા ભા.જ.પા.ના અધ્યક્ષશ્રી મુકેશભાઈ લંગાળિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો. પ્રશાંત જિલોવા, સંકલિત બાળ વિકાસ કાર્યક્રમના અધિકારીઓ- કર્મચારીઓ, અને સિહોરના નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleઆનંદનગર SBI માં ઘરની ધોરાજી, ૨ મહિનાથી બારકોડ સ્ટીકર ખાલી
Next articleતખ્તેશ્વર વોર્ડમાં પેવર રોડના કામોનું ખાતમુહૂર્ત