જો અમારી પાર્ટીની સરકાર હરિયાણામાં આવશે તો તમામ સરકારી હોસ્પિટલો-શાળાઓમાં સુધાર કરાશે : કેજરીવાલ
નવી દિલ્હી, તા.૨૯
પંજાબમાં સત્તામાં આવ્યા બાદ આમ આદમી પાર્ટીએ હવે હરિયાણામાં તૈયારી શરૂ કરી દીધી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે કુરૂક્ષેત્રમાં જનસભાને સંબોધિત કરી હતી. કેજરીવાલે કહ્યુ કે, અમારી પાર્ટીને એક તક આપો. તેમણે કહ્યું કે જો અમારી પાર્ટીની સરકાર હરિયાણામાં આવશે તો તમામ સરકારી હોસ્પિટલોમાં સુધાર કરવામાં આવશે. તો દિલ્હીની સરકારી સ્કૂલની જેમ અહીંની શાળાઓમાં સુધાર કરવામાં આવશે. કેજરીવાલે કહ્યુ કે, શાળામાં સુધાર બાદ અહીંના બાળકો ડોક્ટર અને એન્જિનિયર બનશે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલે કહ્યુ કે, દિલ્હીની સરકારી શાળામાં ૧૮ લાખ બાળકો અભ્યાસ કરતા હતા, જેનું ભવિષ્ય પહેલાં અંધકારમાં હતું. આવી રીતે હરિયાણાના બાળકોનું ભવિષ્ય અંધકારમાં છે. તેમણે કહ્યું કે, અમને એક તક આપશો તો અમે હરિયાણાની સ્કૂલો બદલી દેશું. તો દિલ્હીમાં છેલ્લા ૭ વર્ષમાં ખાનગી સ્કૂલોને ફી વધારવાની મંજૂરી આપવામાં આવી નથી. હરિયાવણી ભાષામાં દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યુ કે, મેં સીધા-સાધા છોરા હૂં. મને કામ કરતા આવડે છે. તેમણે કહ્યું કે, અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની મેલાનિયા ટ્રમ્પની સાથે ભારત આવ્યા તો તેમના પત્નીએ પીએમ મોદીને કહ્યુ- મારે કેજરીવાલની સ્કૂલ જોવી છે. કોઈ મનોહર લાલ ખટ્ટરની સ્કૂલ જોવા આવ્યું? તો આપના નેતા અને પૂર્વ સાંસદ અશોક તંવરે કહ્યુ કે, દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલનું વિકાસ, સુશાસન, સશક્તીકરણ અને સોહાર્દનું મોડલ આજે દેશનું મોડલ બની ચુક્યુ છે અને આ મોડલના આધાર પર હરિયાણામાં પણ આપની સરકાર બનશે. તો આમ આદમી પાર્ટીએ હરિયાણામાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી લડશે તે જાહેરાત અશોક તંવરે કરી હતી. તેમણે કહ્યું કે, ઉમેદવારોની પસંદગી માટે સર્વેનું કામ ચાલી રહ્યું છે. તેમણે કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યુ હતું. મહત્વનું છે કે હરિયાણામાં ૨૦૨૩માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. હવે આમ આદમી પાર્ટીની નજર આ રાજ્ય પર છે.