અગાઉ મુખ્યમંત્રીને રજૂઆત કરી ‘આપે’ વિક્ટોરિયાને ધર્મકુમારસિંહજીનું નામ આપવા માંગ કરી હતી જયારે આજે કૃષ્ણકુમારસિંહજી ઉદ્યાન નામ આપ્યું !
વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ ગુજરાતમાં ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટી હવે લોકો વચ્ચે રહેવા દરરોજ કાર્યક્રમો આપી રહી છે. પરંતુ લોક પ્રશ્નો કે કોઈ બાબતનો હલ લાવવાનાં બદલે માત્ર તમાશો કરવામાં વધુ રસ હોય તેમ લાગી રહ્યું છે. ભાવનગરમાં વિક્ટોરિયા પાર્કના નામકરણ મુદ્દે દોગલી રાજનીતિ કરવા જતા આપ આજે ખુલ્લો પડી ગયો હતો. ભાવનગરની મધ્યે આવેલ વિક્ટોરિયા પાર્કનું સ્વામી વિવેકાનંદ નામકરણ કરવા ગતિવિધિ ચાલી રહી છે અને હાલ અંતિમ તબક્કામાં છે. શિક્ષણ મંત્રી વાઘાણીએ આ મુદ્દે બે દિવસ પહેલા જાહેરાત કરી છે. બીજી બાજુ ભાજપના જ અગ્રણીએ વિક્ટોરિયા પાર્ક સાથે મહારાજા કૃષણકુમારસિંહજીના નાનાભાઈ મહારાજ કુમાર ધર્મકુમારસિંહજી ઉદ્યાન રાખવા માંગ કરી હોવાના અહેવાલ વચ્ચે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ આજે વિક્ટોરિયા પાર્કના દરવાજા પર ’ કૃષ્ણકુમારસિંહજી ઉદ્યાન’ નું બેનર લગાવ્યું હતું. જયારે કે, ગત તા.૪ મે ના રોજ મુખ્યમંત્રીને પત્ર લખી વિક્ટોરિયા સાથે પક્ષી વિદ મહારાજ ધર્મકુમારસિંહજી નામકરણ કરવા આમ આદમી પાર્ટીએ જ રજૂઆત કરી હતી. અને હવે કૃષ્ણકુમારસિંહજી ઉદ્યાન તેવું નામકરણ કરી આપે તેની અસ્થિરતાનો ખ્યાલ આપ્યો હતો.!