ગારિયાધારના માનગઢ, ચોમલ,લીલીવાવ, ચોંડાનાં ગ્રામજનોએ આંદોલનનું શસ્ત્ર ઉગામતા તંત્ર દોડતુ થયુ, તાત્કાલિક રસ્તો બનાવવાની ખાતરી
ગારીયાધારથી પાલીતાણાને જોડતા ખખડધજ રોડથી લોકો તોબા પોકારી ગયા હોય તંત્રને જગાડવા ગ્રામજનો દ્ધારા રસ્તારોકો આંદોલન કરવા હિલચાલ કરતા તંત્ર દોડતુ થયુ હતું .આ રસ્તો અત્યંત ખરાબ હોય જેથી ગારિયાધાર તાલુકાના માનગઢ ચોમલ તેમજ લીલીવાવ, ચોંડાનાં ગ્રામજનો એકઠા થયાં હતાં અને લોકમીજાજનો પરચો દેખાડ્યો હતો. ગારિયાધાર પાલિતાણા રોડ અત્યંત ખરાબ પરિસ્થિતિમાં હોય જેને પગલે સોમવારે માનગઢ, ચોમલ, લીલીવાવ, ચોંડાનાં ગ્રામજનો માનગઢ ખાતે એકઠાં થયાં હતાં.જેમાં ગ્રામજનો દ્વારા રસ્તા રોકોની ચીમકી અપાતાં પોલીસ તંત્ર તેમજ માર્ગ અને મકાન વિભાગનું તંત્ર સફાળું જાગી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ગ્રામજનો કહી રહયાં છે કે અઢાર વર્ષથી રસ્તો ખરાબ હાલતમાં હોય લોકોને ભારે હાલાકી પડી રહી છે.અકસ્માતના બનાવ સમયે દવાખાને જવા માટે એમ્બ્યુલન્સ પણ કલાકે પહોંચે તેવો ખરાબ રસ્તો છે આખરે ગામના લોકોએ એકઠા થઇ રસ્તા રોકો આંદોલન કરે તે પહેલા જ પોલીસ તંત્ર તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દોડી આવ્યાં હતાં અને ગ્રામજનોને આશ્વાસન આપી તાત્કાલિક ધોરણે રસ્તો બનાવી આપવાની ખાતરી આપી હતી. આ રસ્તો કેટલાય વર્ષોથી ખરાબ હાલતમાં હોય રોડ પર મોટા મોટા ખાડાઓ પણ પડી ગયા છે.છતાં પણ તંત્ર દ્વારા રોડ નહીં બનાવતા ગ્રામજનો એકઠા થઇ રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી આપતાં તંત્ર સફાળુ જાગી તંત્ર દોડતું થયું હતું.