ભાવનગરના મેયર કીર્તિબેન દાણીધારીયા અને કલેક્ટર યોગેશ નિર્ગુડે ખાસ ઉપસ્થિત રહ્યા
૩૧ મેને સમગ્ર વિશ્વમાં “તમાકુ નિષેધ દિન” તરીકે ઉજવવામાં આવે છે. લોકોમાં તમાકુ અને ધુમ્રપાન વિરોધી જાગૃતતા આવે તે માટે આ દિવસે વિવિધ માહિતીસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે એચ.સી.જી. હોસ્પિટલ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીનું પ્રસ્થાન ભાવનગરના મેયર કીર્તિબેન દાણીધારીયા અને કલેક્ટર યોગેશ નિર્ગુડેએ કરાવ્યું હતું.
શહેરના મેઘાણી સર્કલ નજીક આવેલી એસ.સી.જી. હોસ્પિટલ દ્વારા આજે મંગળવારે તમાકુ નિષેધ દિન નિમિત્તે લોકોમાં જાગૃતિ આવે તેવા હેતુથી ’વર્લ્ડ નો-ટોબેકો ડે’ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીના અંતે એચ.સી.જી. હોસ્પિટલની ડોક્ટર્સ ટીમ દ્વારા ઉપસ્થિત લોકોને તમાકુના સેવનથી થતા રોગો વિશે માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે ભાવનગરના મેયર કીર્તિબેન દાણીધારીયાએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં તમારે દરરોજ ૧૦૦-૧૫૦ દર્દીઓ આવતા હોય છે, તો તમે એક ટીમ બનાવી તે દર્દીના સગા-સંબંધીઓને તમાકુ વિશે માહિતીગાર કરી શકો છો અને આ વ્યસનથી દૂર રાખી શકાય છે. કલેક્ટર યોગેશ નિર્ગુડેએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે લોકોને જાગૃતિ લાવવા તમે આ રેલીનું આયોજન કર્યું એ સારી બાબત છે. તમારી આ રેલી દ્વારા કમ સે કમ ૫૦ વ્યક્તિઓ પણ આ અંગે જાગૃત થાય તો તમારી રેલી સફળ થઈ છે. તંત્ર પણ વ્યસન મુક્તિના ઘણાં કાર્યક્રમો કરી રહ્યું છે. આ રેલીમાં મેયર કિર્તીબેન, કલેક્ટર યોગેશ નિર્ગુડે, એસ.સી.જી. હોસ્પિટલના ડોક્ટર પ્રફુલ, એડમીન રાહુલ ગઢવી, સ્ટાફના ભાઈઓ-બહેનો જોડાયા હતા.