અચાનક સિંગર મિકા સિંહની સિક્યોરિટી વધારવામાં આવી?

35

મુંબઈ, તા.૧
પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની તારીખ ૨૯ મેના દિવસે ૨૫ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ જાણીતા બોલિવૂડ સિંગર મિકા સિંહની પણ સુરક્ષા વધારવામાં આવી છે. જોધપુરમાં શૉના શૂટિંગ માટે જઈ રહેલા સિંગર મિકા સિંહને જોધપુર કમિશનર તરફથી હાઈ સિક્યોરિટી ઉપલબ્ધ કરાવાઈ છે. મિકા સિંહની સુરક્ષા માટે પોલીસદળ મોકલાયું છે. સોમવારે તેની હોટેલમાં ૫૦ જવાનો મોકલાયા અને ડ્રોન દ્વારા પણ આ જગ્યા પર નજર રાખવામાં આવી રહી છે. સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે અને મિકા સિંહને સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, મિકા સિંહ તરફથી સુરક્ષા માટે કોઈ ડિમાન્ડ નહોતી આવી. પોલીસે જણાવ્યું કે માત્ર સ્ટાફ અને શૂટિંગ ક્રૂ મેમ્બરને હોટેલમાં જવા દેવામાં આવશે. અન્ય લોકોની એન્ટ્રી શૂટિંગ સુધી બંધ રાખવામાં આવી છે. અહીં નોંધનીય છે કે સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ સિંગર મિકા સિંહે લૉરેન્સ ગ્રુપ દ્વારા લખાયેલી એક ફેસબુક પોસ્ટ શેર કરી હતી અને આ પેજ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી હતી. આ સિવાય મિકા સિંહે સિદ્ધુ મૂસેવાલાની હત્યા અંગે ટિ્‌વટર પર પણ ઘણું લખ્યું હતું. ત્યારબાદ જોધપુર પોલીસ એલર્ટ થઈ ગઈ. મિકા સિંહ અત્યારે જોધપુરમાં શૂટિંગમાં વ્યસ્ત છે. સિદ્ધૂ મૂસેવાલાની હત્યાથી સેલિબ્રિટીથી લઈને ફેન્સ સુધી સૌ શોકમાં છે. ૨૯ મેના રોજ જ્યારે મૂસેવાલા મિત્રો સાથે ઘરેથી નીકળ્યો ત્યારે મૂસા ગામથી થોડે જ દૂર બે મિત્રો તેમજ તેના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સિદ્ધૂ મૂસેવાલાની હત્યા બાદ પંજાબમાં સન્નાટો છવાયેલો છે. પરિવારના નજીકના સભ્યો હૈયાફાટ રૂદન કરી રહ્યા છે. સિદ્ધૂ મૂસેવાલા પર ૩૦ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, તેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં તેનું મોત કેટલું પીડાદાયી થયું હતું તેની જાણ થાય છે. સિદ્ધૂ મૂસેવાલાને બે ડઝન જેટલી ગોળી વાગી હતી, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ વાત સામે આવી છે. સિદ્ધૂ મૂસેવાલાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ ૩૦ મેના રોજ થયું હતું. રિપોર્ટમાં સામે આવ્યું છે કે, શુભદીપ સિંહ સિદ્ધૂ ઉર્ફે મૂસેવાલાના શરીરમાં ગોળીઓ ધરબી દેવામાં આવી હતી. પંજાબની ભગવંત માન સરકારે સિદ્ધૂવાલાના કેસની તપાસ પંજાબ અને હરિયાણાના હાઈકોર્ટના સિટિંગ જજને સોંપી છે. આ અંગે ૬ શંકાસ્પદનો ધરપકડ કરવામાં આવી છે, જે પંજાબ પોલીસની કસ્ટડીમાં છે.

Previous articleચોવીસ કલાકમાં સાડાત્રણ ડિગ્રીનો ઘટાડો થતા ગરમીમાં થઈ રાહત
Next articleટીમ ઈન્ડિયાનો વધુ એક ક્રિકેટર ‘ક્લિન બોલ્ડ’ઃ દીપક ચાહર ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજ સાથે લગ્નના તાંતણે બંધાયો