શ્રીનગર,તા.૧
કાશ્મીરમાં આતંકવાદીઓ બેફામ બની ચૂક્યા છે અને ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૧૬ જેટલા ટાર્ગેટ કિલિઞ કરીને કેન્દ્ર સરકાર તેમજ રાજ્યના વહીવટી તંત્રને પડકાર ફેંકવામાં આવ્યો છે ગઈકાલે કાશ્મીરી પંડિત મહિલા શિક્ષિકા ની હત્યા કરી દેવામાં આવ્યા બાદ પંડિત પરિવારોમાં ભયંકર આક્રોશ ફાટી નીકળ્યો છે. હજારો પંડિત પરિવારો કુલગામ હાઇવે પર વિરોધ પ્રદર્શન કરવા માટે એકત્ર થઇ ગયા હતા અને હાઇવે બ્લોક કરી દેવામાં આવ્યો છે અને કાશ્મીરી પંડિતો દ્વારા એવી માગણી કરવામાં આવી રહી છે કે તેમને મજબૂત સુરક્ષા ચક્ર પૂરો પાડવામાં આવે નહીંતર સ્થળાંતર ની વ્યવસ્થા કરી આપવામાં આવે. ચાલુ વર્ષે જાન્યુઆરી માસથી અત્યાર સુધીમાં કાશ્મીરમાં અલગ અલગ સ્થળે પોલીસ અધિકારીઓ તેમજ શિક્ષકો અને સરપંચ સહિત ફુલ ૧૬ લોકો ને મારી નાખવામાં આવ્યા છે. આતંકવાદીઓ ડરાવવા અને ધમકાવવાની તેમજ કાશ્મીરી પંડિત પરિવારોને સ્થળાંતર કરવા માટે મજબૂર કરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલ બાગ સિંહે મિડીયાને માહિતી આપી છે કે સ્થાનિક રહેવાસીઓ દ્વારા હવે આતંકવાદીઓના કોઈ ફરમાનને માનવામાં આવતા નથી અને એટલા માટે ક્રોધે ભરાઈને નિર્દોષ લોકોની હત્યા કરી રહ્યા છે અને ભય ફેલાવી રહ્યા છે. પાછલા વર્ષે પણ કાશ્મીર ખીણમાં ૧૮૨ જેટલા આતંકવાદીઓને ઢાળી દેવામાં આવ્યા હતા પરંતુ સાથોસાથ ૩૫ નાગરિકોના પણ મૃત્યુ થઈ ગયા હતા અને આતંકવાદી ઘટનાઓને પગલે લોકોમાં હજુ પણ ડરનો માહોલ દેખાઈ રહ્યો છે. ગઈકાલે કાશ્મીરી પંડિત મહિલા શિક્ષિકા ની હત્યા થયા બાદ હજારો પંડિત પરિવારો કુલગામ હાઈવે પર એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને હાઇવે બ્લોક કરી દેવામાં આવ્યો છે. મજબૂત સુરક્ષા ચક્ર પૂરું પાડવાની માગણી પરિવારો દ્વારા કરવામાં આવી રહી છે અને જો એમ ન થાય તો સ્થળાંતર કરવાની વ્યવસ્થા કરવાની પણ માગણી વિરોધ પ્રદર્શન દરમિયાન કરવામાં આવી રહી છે.