કોલકત્તા પોલીસ સ્ટેશનમાં નોંધાયો કેસ : બોલિવૂડના પ્રખ્યાત સિંગર કેકે ઉર્ફે કૃષ્ણકુમાર કુન્નાથનું કોલકાતામાં એક કોન્સર્ટ બાદ નિધન થયું હતું
નવી દિલ્હી,તા.૧
ગાયક કેકેના મૃત્યુના કિસ્સામાં, કોલકાતા પોલીસે અસામાન્ય મૃત્યુનો કેસ નોંધ્યો છે. મળતી માહિતી મુજબ, કોન્સર્ટ બાદ તેમની તબિયત બગડી હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ ગાયકનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતુ. પરંતુ હવે સિંગરના માથામાં ઈજાના સમાચાર સામે આવી રહ્યા છે. ડોક્ટરો પોસ્ટમોર્ટમ બાદ જ કેકેના મૃત્યુનું સાચું કારણ જણાવી શકે છે. કે.કે.ના ચહેરા અને માથા પર ઈજાના નિશાન મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ, કોલકાતાના ન્યુ માર્કેટ પોલીસ સ્ટેશનમાં ગાયક કેકેના અકુદરતી મોતનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ કેકેના પરિવારના આવવાની રાહ જોઈ રહી છે. પરિવારજનોની સંમતિ અને લાશની ઓળખ બાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. આ અંગે જીજીદ્ભસ્ હોસ્પિટલના જણાવ્યા અનુસાર, મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે તૈયારીઓ કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ બાદ ગાયકનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે અને તેનું મૃત્યુ કેવી રીતે થયું તે પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે બહાર આવશે. પોલીસ હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. તમને જણાવી દઈએ કે, બોલિવૂડના પ્રખ્યાત સિંગર કેકે ઉર્ફે કૃષ્ણકુમાર કુન્નાથનું કોલકાતામાં એક કોન્સર્ટ બાદ નિધન થયું હતું. મંગળવારે, ૫૩ વર્ષની ઉંમરે, કેકેના નિધનની ખબર સાંભળીને તેમના ચાહકો ઘણાં જ દુખી થયા હતા. દિલ્હીમાં જન્મેલા કેકેની તબિયત મંગળવારે કોન્સર્ટ દરમિયાન બગડી હતી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો.