શહેરના જવાહર મેદાન ખાતે ડો. જ્ઞાનવત્સલ સ્વામીનો પારિવારિક મૂલ્યો વિશે સેમિનાર યોજાયો
ગઇકાલે બુધવારના ભાવગનરના જવાહર મેદાન ખાતે બીએપીએસના ડો. જ્ઞાનવત્સલ સ્વામીના પારિવારિક મૂલ્યો વિશે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજને 100 ફૂટનો હાર સંતો અને મહાનુભાવોએ પહેરાવ્યો હતો. આ કાર્યક્રમમાં આશરે 5 હજારથી વધુ હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ડો. જ્ઞાનવત્સલ સ્વામીની દિવ્ય વાણીનો લાભ લીધો હતો. જ્ઞાનવત્સલ સ્વામી લોકોને પારાવારીક સંબંધો અંગે વ્યાખ્યાન આપી મંત્રમુગ્ધ કરી દીધા હતા. પોતાના વક્તવ્યમાં તેમણે પરિવારને જોડી રાખવા માટેના વિવિધ દાખલાઓ આપી લોકોને જાગૃત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે માણસે જ પોતાનામાં સુધારો કરવો જોઈએ. તમારે તમારા પરિવારને આદર્શ પરિવાર બનાવવા માટે તમારી કુટેવો શોધીને સુધારવી પડશે. હાર્વડ યુનિવર્સિટીએ 1 લાખ પરિવાર પર સર્વે કર્યો હતો. 110 દેશોમાં 8 વર્ષ આ સર્વે ચાલ્યો હતો, જેમાં દરેક પરિવારને પૂછવામાં આવ્યું હતું કે તમારા માટે પૃથ્વી પર મોટો આનંદ કયો છે? ત્યારે 67 ટકા પરિવારોએ પરિવાર સાથે બેસવું, વાતો કરવી, આનંદ કરવો, ગપ્પા મારવા એ પૃથ્વી પરનો સૌથી મોટો આનંદ છે તેમ જણાવ્યું હતું. આ સિવાય જ્ઞાનવત્સલ સ્વામીએ પ્રમુખ સ્વામીના જીવનના સત્કાર્યો વિશેની ઝલક લોકોને સંભળાવી હતી.
ભાવનગર આંગણે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અક્ષરવાડી દ્વારા મુખ્યત્વે પ્રમુખ સ્વામી મહારાજાની જન્મ શતાબ્દી નિમતે આજનું વિશિષ્ટ આયોજન હતું. જેમાં આજના યુગમાં ઘરે હોઈએ ત્યારે મોબાઈલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા, સપ્તાહમાં કમ સે કમ બે વખત 15-15 મિનિટે ઘરના સૌ સભ્યોને ભેગા મળીને નિયમિત ઘરસભા કરવા, પારિવારિક સુખ અને પારિવારિક મૂલ્યો સંબંધિત વાતો વિશે વિસ્તારથી જણાવાયું હતું. નોંધનીય છે કે 15 ડિસેમ્બર, 2022થી 13 જાન્યુઆરી 2023 સુધી અમદાવાદમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ભવ્યતાથી એસ.જી.હાઈવે અમદાવાદ ખાતે ઉજવાશે. અંદાજે 600 એકર જમીનમાં સાંસ્કૃતિક નગરી બનાવશ જેની વ્યવસ્થા માટે 25 હજાર સ્વયંસેવકો એક મહિના સુધી ખડે પગે રહી સેવા કરશે. એક મહિના સુધી અનેક વિધ કાર્યક્રમો થશે. જુદા-જુદા રાજ્યની કૃતિઓ રજુ કરવામાં આવશે. જો કે ગઇકાલે યોજાયેલા સેમિનારનું સંચાલન ભાવનગર અક્ષરવાડી મંદિરના વરિષ્ઠ સંત પૂજ્ય સોમપ્રકાશ સ્વામિ અને કોઠારી યોગવિજય સ્વામિ અને ત્યાગરાજ સ્વામિએ કર્યું હતું.