હાર્દિક પટેલે આખરે કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. કમલમમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને નીતિન પટેલના હસ્તે પક્ષનો ખેસ અને ટોપી પહેર્યા બાદ હાર્દિકે પીએમ મોદીના નેતૃત્વમાં થઈ રહેલા રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં પોતે નિમિત બની રહ્યો છે, તેમજ ભાજપનો સિપાહી બનીને કામ કરશે તેવી વાતો કરી હતી. જોકે, જ્યારે તેમને સવાલો પૂછાવાનું શરુ થયું ત્યારે હાર્દિક પટેલને પરસેવો વળી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, એક સમયે હાર્દિકે પીએમ નરેન્દ્ર મોદી માટે ’ફેકૂ’ તેમજ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ માટે ’જનરલ ડાયર’ જેવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો. હાર્દિક પટેલે એક સમયે એવો દાવો પણ કર્યો હતો કે તેને ભાજપમાં જોડાઈ જવા માટે ૧૨૦૦ કરોડ રુપિયાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેણે તે ઓફરને ફગાવી દીધી હતી. આજે હાર્દિકને પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું હતું કે આ વખતે તેને ભાજપે એવી કોઈ ઓફર કરી છે કે કેમ તેમજ તે વખતે તેણે કરેલા ૧૨૦૦ કરોડની ઓફરના દાવાની હકીકત શું હતી? આ સવાલ સાંભળતા જ ’ખૂલ્લા મને હું આપના દરેક સવાલનો જવાબ આપીશ’ તેવી વાતથી પત્રકાર પરિષદની શરુઆત કરનારા હાર્દિક પટેલનું મોઢું સિવાઈ ગયું હતું. હાર્દિકે ગોળ-ગોળ વાતો કરીને આ સવાલનો સ્પષ્ટ જવાબ આપવાનું સદંતર ટાળ્યું હતું. એટલું જ નહીં, હાર્દિકને જ્યારે એમ પૂછવામાં આવ્યું કે જે પક્ષની સરકાર સામે તેણે આંદોલન શરુ કર્યું હતું તે જ પક્ષ સાથે હવે તે જોડાઈ ગયો છે ત્યારે ૨૦૧૫માં રાજ્યભરમાં ફાટી નીકળેલી હિંસા તેમજ જાનમાલના નુક્સાન માટે જવાબદાર કોણ? તે સવાલ સાંભળીને પણ હાર્દિકે હિંસા કરનારા લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેમજ પોતે કોઈ બસો સળગાવવા નહોતો નીકળ્યો તેવું કહીને આ વાતનો સીધો સવાલ આપવાનું ટાળી દીધું હતું. ભાજપમાં તેનો રોલ શું હશે તે અંગે હાર્દિકે કહ્યું હતું કે, આજે પોતે એક કાર્યકર્તા તરીકે ભાજપમાં સામેલ થઈ રહ્યો છે તેવી વાત કરતા હાર્દિકે જણાવ્યું હતું કે પોતે જનહિતના કામ માટે કાર્ય કરે છે ત્યારે સામાન્ય વ્યક્તિ રુપે જ કામ કરવા ઈચ્છે છે.