સોનિયા કોરોના પોઝિટિવ, પોતાને આઈસોલેટ કર્યા

18

કોંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ૮ જૂનના રોજ ઈડી સમક્ષ હાજર થવાનું શિડ્યુલ રાબેતા મુજબ જ છે
નવી દિલ્હી, તા.૨
કોંગ્રેસના પ્રેસિડેન્ટ સોનિયા ગાંધીનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગુરુવારે કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, તેઓને સામાન્ય તાવ હતો, આ ઉપરાંત સામાન્ય લક્ષણો પણ જોવા મળ્યા હતા, જે બાદ તેઓએ પોતાને આઈસોલેટ કરી દીધા છે. તેઓને જરૂરી મેડિકલ સારવાર આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, સોનિયા ગાંધી કોરોનો પોઝિટિવ થવાના સમાચાર એ સમયે આવ્યા છે કે, જ્યારે એક દિવસ પહેલાં જ નેશનલ હેરાલ્ડ કેસ મામલે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે (ઈડી) સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધી વિરુદ્ધ સમન્સ પાઠવ્યું છે.
તમને જણાવી દઈએ કે, ૮ જૂનના રોજ સોનિયા ગાંધીને ઈડી સમક્ષ હાજર થવાનું છે. જે અંગે કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ૮ જૂનના રોજ ઈડી સમક્ષ હાજર થવાનું શિડ્યુલ રાબેતા મુજબ જ છે. આ ઉપરાંત સોનિયા ગાંધીની તબિયત અંગે જણાવતાં સુરજેવાલાએ કહ્યું કે, મોટી સંખ્યામાં કોંગ્રેસના પુરુષો અને મહિલાઓ તેમજ શુભેચ્છકો દ્વારા ચિંતા વ્યક્ત કરી છે, અમે તમને જણાવવા માગીએ છીએ કે, તેમની તબિયત સારી છે અને તે રિકવર થઈ રહ્યા છે. અમે તમામ લોકોનો તેમની શુભેચ્છા માટે આભાર માનીએ છીએ.
ઉલ્લેખનીય છે કે, ઈડીએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને સમન્સ પાઠવતાં આ મામલે કોંગ્રેસે આકરી પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે, મોંઘવારી, જીડીપીમાં ઘટાડો, સામાજિક અશાંતિ અને સામાજિક વિભાજન જેવા અનેક મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા માટે ભાજપની પ્રોપોગેન્ડા મશીનરી દ્વારા એસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડનો ખોટો મુદ્દો ઉછાળવામાં આવ્યો છે.
કોંગ્રેસે જણાવ્યું કે, એ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે, સરમુખત્યાર હવે ડરી ગયા છે અને તમામ સરકારી એજન્સીનો દુરુપયોગ કરીને સરકારની નિષ્ફળતાઓને ઢાંકવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને આ વખતે તેઓ નવી ઘૃણાસ્પદ અને કાયરતાપુર્વકના ષડયંત્ર સાથે સામે આવ્યા છે. અને પીએમ નરેન્દ્ર મોદીના ઈશારા પર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને ઈડીએ નોટિસ પાઠવી છે.

Previous articleવિશ્વમાં અત્યાર સુધી મન્કીપોક્સ વાયરસના ૩૦૦થી વધારે કેસ
Next articleસેન્સેક્સમાં ૪૩૭, નિફ્ટીમાં ૧૦૫ પોઈન્ટનો વધારો થયો