ગુજરાતના પાવર પ્લાન્ટ પર અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

909

અમેરિકાની સુપ્રીમ કોર્ટ ગુજરાતના એક વીજ પ્લાન્ટ વિરુદ્ધ ગ્રામજનોની એક અપીલ પર સુનાવણી કરવા માટે સંમતિ વ્યક્ત કરી છે. આ વીજ પ્લાન્ટને કારણે કથિતપણે પર્યાવરણને નુકસાન પહોંચ્યું છે અને તેના માટે અમેરિકાના ઈન્ટરનેશનલ ફાઈનાન્સ કોર્પોરેશન ફંડ પુરું પાડી રહ્યું છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અરજી સ્વીકારવામાં આવે છે. આ મામલાની સુનાવણી ઓક્ટોબર માસ શરૂ થઈ રહેલા આગામી સત્રમાં કરવામાં આવશે. ઘણાં ખેડૂતો અને માછીમારો સહીત ગ્રામજનોની આગેવાની કરી રહેલા બુદ્ધ ઈસ્માઈલ જામનો આરોપ છે કે કોલસા દ્વારા સંચાલિત ટાટા મુંદ્રા પાવર પ્લાન્ટથી વ્યાપકપણે પર્યાવરણને નુકસાન પહોંચી રહ્યું છે. વોશિંગ્ટન ડીસી ખાતે આવેલા આઈએફસી દ્વારા યોજના માટે ૪૫ કરોડ ડોલરની મદદ કરવામાં આવી છે. આઈએફસી વિશ્વ બેંકની આર્થિક શાખા છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તેઓ નક્કી કરશે કે શું આઈએફસીની પાસે ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ઈમ્યુનિટી એક્ટ-૧૯૪૫ હેઠળ છૂટ છે કે નથી. નીચલી અદાલતો દ્વારા તેમની અરજીઓ પર સુનાવણી કરવાનો ઈન્કાર કરાયા બાદ જામ અને અન્ય અરજદારોએ અમેરિકાની સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. પોતાની અરજીમાં ગ્રામીણોએ દલીલ આપી છે કે ટાટા મુંદ્રા પાવર પ્લાન્ટ, આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય માપદંડોનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યો છે. જેના કારણે સ્થાનિક પર્યાવરણને નુકસાન પહોંચ્યું છે.

Previous articleનિપાહ વાઇરસના હાહાકારને પગલે ગુજરાતમાં એલર્ટ જાહેર
Next articleધો.-૧૦નું રિઝલ્ટ ૨૮ મેના રોજ જાહેર થશે