રસ્તાનું કામ ગુણવત્તા મુજબનું જ થઈ રહ્યું છે- અધિક કાર્યપાલક ઈજનેર: સ્થાનિક લોકોએ આસ્ફાલ્ટની જગ્યાએ RCC રોડ બનાવવાની માગ કરી
ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં બની રહેલા રસ્તાનું કામ નબળું થઈ રહ્યાનો આક્ષેપ કરી સ્થાનિકોએ કામગીરી અટકાવી હતી. પોણા બે કરોડના ખર્ચે બની રહેલા રસ્તાનું તાજેતરમાં જ શિક્ષણમંત્રી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. લોકોએ અહીં આસ્ફાલ્ટની જગ્યાએ RCC રોડ બનાવવાની માગ કરી હતી. શહેરના કુંભારવાડા સ્થિત અક્ષરપાર્ક વિસ્તારમાં સ્થાનિકોની લાંબા સમયની માંગણીઓને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 1.75 કરોડના ખર્ચે નવો રોડ મંજૂર કર્યો હતો અને આ રોડનું ખાતમુહૂર્ત રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કર્યું હતું. આ રોડ નિર્માણનું કામ શરૂ થયે હજું જૂજ દિવસો થયા છે ત્યારે આ રોડ નિર્માણમા કોન્ટ્રાક્ટરો દ્વારા ગેરરીતિ સાથે હલકી ગુણવત્તાનું માલ-મટીરીયલ વાપરી ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાની ફરિયાદો ઉઠતાં લોકોએ એકઠા થઇ રોડ નિર્માણનું કામ તત્કાળ બંધ કરાવી સમગ્ર કામની સમીક્ષા સાથે ઉચ્ચ તપાસની માંગ કરી છે.
તો મહિલાઓએ આ કામ બાબતે ભારે આક્રોશ સાથે આરસીસી રોડ બનાવવાની માંગ કરી છે જેને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાને પગલે આ વોર્ડના કોર્પોરેટરો તથા બીએમસીના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતાં અને લોકોની રજૂઆત સાંભળી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ અંગે ભાવનગર મહાનગરપાલિકાના અધિક કાર્યપાલક ઇજનેર રવિરાજે જણાવ્યું હતું કે, રોડની ગુણવત્તામાં કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવતી નથી, ક્વોલિટી મુજબ જ કામ થાય છે, ભાવનગરમાં તમામ જગ્યાએ રોડના જે પણ કામ થઈ રહ્યા છે ત્યાં ગુણવત્તાયુક્ત જ રોડ કામ થઈ રહ્યા છે. જ્યાં ડામર રોડ મંજૂર થયો હોય ત્યાં ડામરના રોડ કરવાનો હોય છે, આર.સી.સી.રોડ મંજૂર થયો હોય ત્યાં સુધીનો આર.સી.સી નો રોડ કરવાનો હોય છે.