ક્રિકેટરોને પોતાના જિલ્લાનું નેતૃત્વ કરવાનો ગર્વ હોવો જોઈએઃ મહેન્દ્ર સિંહ ધોની

18

ચેન્નાઈ,તા.૨
તમિલનાડુનાં તિરૂવલ્લુર જિલ્લા ક્રિકેટ સંઘની રજત જયંતી નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. ધોની ભારતના એકમાત્ર કેપ્ટન છે કે જેમણે આઇસીસીના ૩ મોટા એવોર્ડ જીત્યા હોય. આ કાર્યક્રમમાં જિલ્લા ટીમને પ્રોત્સાહિત કરતી વખતે ધોનીએ કહ્યું હતું કે, ક્રિકેટરોને પોતાના જિલ્લાનું નેતૃત્વ કરવાનો ગર્વ હોવો જોઈએ કારણ કે, તે ટોચના સ્થાને પહોંચવા માટેનું પહેલું પગલું હોય છે. ધોનીએ આ પ્રસંગે પોતાની વાત કરતાં કહ્યું હતું કે, ’હું પ્રથમ વખત જિલ્લા ક્રિકેટ સંઘની સફળતા નિમિત્તે આયોજિત ઊજવણીનો ભાગ બની રહ્યો છું. આ પ્રસંગે હું મારા જિલ્લા ક્રિકેટ સંઘ(રાંચી)ને પણ આભાર કહેવા ઈચ્છુ છું. ક્રિકેટરને પોતાના જિલ્લાનું નેતૃત્વ કરવામાં ગર્વ અનુભવાવો જોઈએ.’ ધોનીએ આગળ જણાવ્યું હતું કે, ’મને ગર્વ છે કે મને મારા દેશનું નેતૃત્વ કરવાની તક મળી પરંતુ જો હું મારા જિલ્લા કે સ્કૂલ માટે ક્રિકેટ ન રમ્યો હોત તો મને આ તક ન મળી હોત.’ આ કાર્યક્રમમાં ધોનીની સાથે આઇસીસી અને બીસીસીઆઇના પૂર્વ અધ્યક્ષ રહી ચુકેલા એન શ્રીનિવાસન પણ હાજર રહ્યાં હતાં. હાલમાં ધોની આઇપીએલ ફ્રેન્ચાઈઝી ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન છે. તેમની કેપ્ટનશિપમાં ચેન્નાઈએ ૪ વખત આઇપીએલના એવોર્ડ જીત્યા છે.ટીમ ઈન્ડિયાના પૂર્વ વિકેટકીપર બેટ્‌સમેન ધોની એવા એકમાત્ર કેપ્ટન છે કે જે આઇસીસીની ૩ મોટી ટુર્નામેન્ટ જીત્યા હોય. ધોનીની કેપ્ટનશિપમાં ભારતે વર્ષ ૨૦૦૭માં ટી ૨૦ વિશ્વ કપ અને વર્ષ ૨૦૧૧માં વન ડે વર્લ્‌ડ કપ જીત્યા હતા તેમજ ૨૦૧૩માં ચેમ્પિયન્સની ટ્રોફી પણ મેળવી હતી. ભારતીય ક્રિકેટ ટીમ ધોનીની કેપ્ટનશિપમાં ૬૦ ટેસ્ટ મેચ રમી હતી. તે પૈકીની ૨૭ મેચ જીતી હતી અને ૧૮ મેચોમાં હાર મેળવી હતી જ્યારે ૧૫ ટેસ્ટ મેચો ડ્રો રહી હતી. આ સિવાય ધોની ૨૦૦ વન ડે મેચમાં કેપ્ટન રહ્યા હતા જેમાંથી ૧૧૦ મેચમાં જીત થઈ હતી અને ૭૪ મેચમાં હાર મળી હતી. ધોનીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા ૭૨ જેટલી આંતરરાષ્ટ્રીય ટી ૨૦ મેચ રમી છે જેમાંથી ૪૧ મેચોમાં જીત મળી હતી અને ૨૮ મેચોમાં હાર મળી હતી.

Previous articleએમપીમાં પણ અક્ષયની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ ટેક્સ ફ્રી
Next articleમારે ક્ષર સ્વરૂપનો લોપ કરી અક્ષર સ્વરૂપ ધારણ કરી ફોટા પર સુખડનો હાર તસ્વીર બની ભીંત પર લટકવાની મહેચ્છા નથી !!!(બખડ જંતર)