લેખકો કવિઓ જાત જાતના પુસ્તકો લખે છે. ગુજરાતી તરીકે આપણે વાંચવાના શોખીન છીએ.અલબત , મફતિસા પુસ્તકો. કેટલાક મૂડીવાદી અને સામંતવાદી લોકો મફતમાં વાંચવા માટે લઇ આવેલ પુસ્તક પર પોતાના નામ સરનામાનો રબ્બર સ્ટેમ્પ લગાવી દે છે!! મફતમાં વાંચવા મળે તો લોકો કોઇની પણ બેંક પાસબુક વાંચવા તલપાપડ હોય છે. ફેસબુક ધમધમાવવાનું કારણ છે- કાના માત્ર વગર-મફત. કેટલાક લોકો કોઇ વસ્તુના પેકિંગ કે રેપર તરીકે લગાવેલ પેપર કે મેગેઝિનના ટુકડાને અદમ્ય વાંચનભૂખ સંતોષવા પહેલા અક્ષરથી છેલ્લા અક્ષર સુધી વાંચી જાય છે!!હવે નવી પેઢી જૂની પેઢીની મફત વાચનયાત્રાની ઉજ્જવળ પરંપરાનો લોપ કરી પુસ્તકો ખરીદ કરી દિવાનખંડના શો કેસમાં રાખતી થઇ ગઇ છે. આમ, નવી પેઢી બગડતી જાય છે!!
કોઇ સર્વે કરે તો રસોઇકળા,જ્યોતિષ , આયુર્વેદ, મોટીવેશનલ,સસ્પેન્સને લગતા પુસ્તકો વધુ વંચાય છે. કવિતાના પુસ્તકો છપાય છે, સોરી પ્રસિદ્ધ થાય છે . પણ માત્ર કવિ તરફથી ભેટ આપવામાં વેડફાઇ જાય છે. વહેંચાઈ જાય છે, પણ વેચાતા નથી!!
પુસ્તકો બે પ્રકારના હોય છે. ફિકશન અને વાસ્તવિક. અશ્વિની ભટ જેવા લેખકો દરેક પુસ્તકો સંશોધન અભ્યાસ કરીને લખતા હતા. ફાંસલો નવલકથા બેંક રોબરીની કથા હતી. જેમાં જયસમન્દના ઓવારાના વર્ણન માટે મેજરટેપથી જયસમન્દની માપણી કરી હતી. તેની સામે કનૈયાલાલ મુન્શીએ પાટણની પ્રભુતા નવલકથામાં જે સ્થળે ભીષણ યુધ્ધનું વર્ણન કરેલ હતું , ત્યાં બે બળદગાડા સામસામે જઇ શકે તેટલી સ્પેસ ન હતી. પ્રેમચંદ મુન્શીએ દારૂણ ગરીબીનો સામનો કરેલ હોવાથી ગોદાન, ગબન વગેરે કૃતિઓમાં ગરીબી પર ફોકસ કર્યું હતું. મીઠીબાઇ કોલેજના પ્રિન્સિપાલ તરીકે ટ્રસ્ટી સામે વાંધો પડતાં રાજીનામું આપીને કોલમના( તમે બરાબર વાંચ્યું છે, બોસ. કલમના ખોળે નર્મદ જેવા વીર માથું મુકી શકે!!)ખોળે માથું મુકનાર અને જેને હાલતા ચાલતા વિવાદોને ગળે લગાડતા અને આજની તારીખે ટોપ ફાઇવ વંચાતા લેખકોમાં શિરમોર ચંદ્રકાંત બક્ષીની નવલકથામાં ભવ્યતા , ભવ્યતા અને ભવ્યતા ડોકિયું કરતી!! નોન ફિકશન પુસ્તકો વ્રતકથાઓ, બાળાગોળીનું સેવન કરવાના ફાયદા, બ્રહ્મચર્ય પાળવાના લાભાલાભ કે લીંબુના સેવનથી શરીરની મેટોબોલિક સ્થિતિમાં સ્થાયી અને અસ્થાયી પરિવર્તનનો તુલનાત્મક અભ્યાસ શોધનિબંધ રજૂ કરી વિશ્વ વિધાલયમાંથી મેળવેલ વિધા વાચસ્પતિ( ગુજરાતીમાં ઁરઙ્ઘ) નું હોય છે!! ચંપારણ સત્યાગ્રહનો દસ્તાવેજી અહેવાલ પ્રકારનું હોય છે!!
ગુનાખોરીમાં પ્રોજવળ કારકિર્દી બનાવવા ઇચ્છુક એસ્પિરેન્ટ એકલવ્ય જેવી ડિસ્ટન્સ લર્નિંગ પદ્ધતિ અપનાવે છે. કવિવરને ફોલો કરે છે. કવિવરે કહ્યું છે કે તારી હાંક સુણીને કોઇ ન આવે તો એકલો જાને રે!!
મુકાશે ગાયેલ ગીત પણ બોધાત્મક અને પ્રેરણાત્મક છે.’ ચલ અકેલા ચલ અકેલા,તેરા પીછે છૂટા રાહી ચલ અકેલા’ લોકો યુટયુબ કે ક્રાઇમ પેટ્રોલિંગ જેવા કાર્યક્રમો જોઇને બોમ્બ બનાવવા, કટા તમંચા બનાવવા જેવા એસએમઇ નિર્ભર કાર્યક્રમ હેઠળ આરંભે છે!!!તેમ જ લક્ષ્યાંક પૂરો કરે છે!!
રોમેન્ટિક ઉપન્યાસ લખનાર અમેરિકાની મહિલાની તેના પતિની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. ૬૮ વર્ષીય લેખિકા નેન્સી ક્રામ્પટન બ્રોફી સામે ૬૩ વર્ષીય પતિ ડેનિયલ બ્રોફીની હત્યાનો આરોપ છે. ૨ જૂનના રોજ ડેનિયનના પતિની હત્યા થઇ હતી અને ખુદ નેન્સીએ આ ઘટના પર શોક સંદેશ પણ ફેસબુક પર લખ્યો હતો. રસપ્રદ વાત એ છે કે, નેન્સીએ ’હાઉ ટુ મર્ડર યોર હસબન્ડ’ નામે એક પુસ્તક પણ લખ્યું હતું.
ફોક્સ ન્યૂઝ અનુસાર, રોમાન્સ રાઇટર ક્રોમ્પટન બ્રોફીએ અનેક પુસ્તકો લખ્યા છે, જેના સેલ માટે એમેઝોન ઉપર પણ લિસ્ટ રાખવામાં આવ્યું હતું.
– એટલું જ નહીં, નેન્સીએ ૨૦૧૧માં પતિની હત્યાની રીતોને લઇને એક લેખ પણ લખ્યો હતો. એક વેબસાઇટ અનુસાર, નેન્સીએ આ નિબંધમાં હત્યાને લઇ પોતાના વિચારો પણ વ્યક્ત કર્યા હતા.
– નેન્સીએ લખ્યું હતું, રોમેન્ટિક સસ્પેન્સ રાઇટર તરીકે મેં હત્યા અને ત્યારબાદ થનારી પોલીસની પ્રક્રિયાને લઇને અનેક કલાકો સુધી વિચાર્યુ નહીં. એટલું જ નહીં, તેણે આ લેખમાં હત્યાની સરખામણીએ ડિવોર્સને વધુ ખર્ચાળ કહી દીધા હતા.
ભારતની મહિલાઓ પતિની લાંબી આવરદા માટે કડવાચોથનું વ્રત કરે છે. વટસાવિત્રીનું વ્રત કરે છે. સતી સાવિત્રીએ યમરાજ સુધી લડીને પતિનો જીવ પાછો લાવી હતી!!
મને લાગે છે કે મારે હવે એ અટકવું જોઇએ કેમ કે, આ પુસ્તકની પ્રત મારી ઘરવાળી પાસે આવી ગઇ છે અને મારે ક્ષર સ્વરૂપનો લોપ કરી અક્ષર સ્વરૂપ ધારણ કરી ફોટા પર સુખડનો હાર તસ્વીર બની ભીંત પર લટકવાની મહેચ્છા નથી !!!
– ભરત વૈષ્ણવ