રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ઘોઘા તાલુકાના છાયા ગામના બાળકનને જન્મ જાત હૃદયરોગની ખામી હતી. તેનો પરિવાર આ જાણીને ચિંતામાં ગરકાવ હતો. પરંતુ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્વારા ભાવનગરના ઘોઘા તાલુકાના છાયા ગામના બાળકનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે અને આજે આ બાળક સફળ રીતે તેનું જીવન જીવી રહ્યો છે. એક રીતે આ બાળકને નવજીવન મળ્યું છે.હ્યદયરોગથી પીડાતા આ પરિવારની મદદમાં કેન્દ્ર સરકાર પુરસ્કૃત કાર્યક્રમ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ આવ્યો છે. આ કાર્યક્રમ દ્વારા આશા વર્કર બહેનો ગામના તમામ ઘરની મુલાકાત લઇને સંદર્ભ કાર્ડ બનાવી આપે છે. જેમાં બાળકની તમામ સ્વાસ્થ્યને લગતી બાબતો નોંધવામાં આવે છે. જેના આધારે આવાં ગંભીર પ્રકારનો રોગ પણ જાણમાં આવે છે અને તેના તુરંત જ પ્રાથમિક રિપોર્ટ કરાવવાથી ગંભીર પ્રકારની બિમારીને જાણી તેની સારવાર કરી શકાય છે. આ કાર્યક્રમથી અનેક બાળકોની સારવાર શક્ય બની છે. ઘોઘા તાલુકાના છાયા ગામે રહેતાં અરવિંદભાઇ વેલજીભાઈ બારીયાના પુત્ર આરવની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમ દ્વારા તપાસ કરતા બાળકને જન્મજાત હૃદયરોગ જણાયો હતો. જેમાં આરવને હૃદયમાં કાણું તથા હૃદયની નળીઓમાં જન્મજાત ખામી જોવાં મળી હતી.આ અન્વયે તુરંત જ સંદર્ભ કાર્ડ તથા દરખાસ્ત પત્રક ભરી આપવામાં આવ્યું હતું. પહેલાં ભાવનગર ખાતે આવેલ સર ટી. હોસ્પિટલ ખાતે તથા ત્યારબાદ અમદાવાદ ખાતે આવેલ યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે આ બાળકને રીફર કરવામાં આવ્યું હતું. ઘોઘા તાલુકાના છાયા ગામે રહેતા આરવને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી તથા શરીર ભૂરું પડી જવાની તકલીફ હતી. આથી તા. ૨૩ ઓગસ્ટ, ૨૦૨૧ ના રોજ બાળકને સર ટી. હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યું હતું. જ્યાંથી તા. ૨૪ ઓગસ્ટ, ૨૦૨૧ ના રોજ યુ. એન. મહેતા હોસ્પિટલ, અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યું હતું. જેમાં બાળકને તે જ તારીખે દાખલ કરવામાં આવ્યું હતું અને તા. ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ આરવનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. તા. ૨૨ નવેમ્બર, ૨૦૨૧ ના રોજ બાળકને યુ.એન મહેતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હાલ બાળક સમયાંતરે ફોલોઅપ માટે યુ. એન. મહેતા હોસ્પિટલ, અમદાવાદ ખાતે નિયમિત રીતે જાય છે અને બાળકની તબિયત ખૂબ જ સારી છે. આમ, વિનામૂલ્યે સફળ ઓપરેશન થતાં બાળકને પરિવારમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. સુનિલભાઈ પટેલ, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના મેડિકલ ઓફિસર ડો. મુબારક ચોકીયા તથા ડો. શ્રી કેતાબા સરવૈયા તથા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના ફાર્માસિસ્ટ વૈશાલી શાહ તથા ફિમેલ હેલ્થ વર્કરશ્રી આશાબેન પરમાર તથા રેખાબેન બારૈયા તથા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરશ્રી સૂચિતભાઈ પરમારનો સહયોગ મળ્યો હતો.