વાવડી ગામના લોકોને ગામની બહારના વાડી વિસ્તારોમાંથી સાઇકલ પર કે ચાલીને પાણી ભરવાં જવામાંથી મુક્તિ મળી : વડાપ્રધાનના હર ઘર કો પાણીના સંકલ્પને સાકાર કરતું ભાવનગરનું વાવડી ગામ
ભાવનગર જિલ્લાનાં ઘોઘા તાલુકાનાં વાવડી ગામે સરકારના જલજીવન મીશન યોજના અંતર્ગત નર્મદાનું પાણી મળવાં લાગ્યું છે.
ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પને સાકાર કરતાં ભાવનગરના વાવડી ગામના દરેક ઘરે નર્મદાના નીર નળ દ્વારા પહોંચી ચૂક્યાં છે. વાવડી ગામ દરિયાની નજીક હોવાથી ગામમાં પાણીના નીર ખારા આવતાં હતાં. જે પીવાલાયક ન હતાં.આથી નર્મદાનું મીઠું પાણી મળે તો પીવાની સમસ્યાને દૂર કરી શકાય. આ બાબતને ધ્યાનમાં રાખીને તુરંત જ આ બાબતે પગલાં લઇને વાવડી ગામને નર્મદાના પાણી મળે તે માટેના પ્રયત્નો યુધ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યાં હતાં. જેના મીઠાં ફળ આજે વાવડી ગામને મળી રહ્યાં છે.ભાવનગરથી ૪૦૦ કિ.મી. દૂર રહેલાં નર્મદાના નીર આજે વાવડી ગામના પગ પખાળીને ખરેખર લોકમાતાના બિરુધને સાકાર કરી રહી છે. સરકારની જળ જીવન મીશન યોજના થકી ગામમાં દરરોજ પાણી મળતું થયું છે. આ યોજનાનાં થકી આ ગામની પાણીની સમસ્યાનો અંત આવ્યો છે.વાવડી ગામના સરપંચશ્રી મહેન્દ્રસિંહ ગોહિલે આ અંગે જણાવ્યું હતું કે, ગામની અગાઉની પરિસ્થિતિ અને આજની પરિસ્થિતિમાં ખૂબ જ બદલાવ આવ્યો છે. અગાઉ ગામની બહાર વાડી વિસ્તારોમાં સાઇકલ કે ચાલીને પાણી ભરવાં જવું પડતું હતું. ગામની ડંકીઓમાંથી પાણી મેળવવું પડતું હતું. ચોમાસાની ઋતુ સિવાયનાં સમયમાં જમીનનાં પાણીનાં તળ ઉંડા ઉતરી જતાં પાણી મેળવવાં માટે વાડી-વિસ્તારમાં જવું પડતું હતું. હાલ ગામમાં વાસ્મો થકી તમામ ગલી, મહોલ્લામાં જરૂરી સુચારૂં આયોજન કરી ગામનાં છેવાડાનાં વિસ્તાર સુધી પાઇપલાઇનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તણસા ઝોનમાંથી પાઇપલાઇન થકી ગામનાં તમામ ઘરો સુધી પાણી પહોંચતું થયું છે. ગામનાં તળાવમાં પણ પાણીનો સંગ્રહ વધ્યો છે. અગાઉ વર્ષ-૨૦૧૩ માં કેરબા કે ટીંપણામાં પાણીનો સંગ્રહ કરવો પડતો હતો. બાદમાં નળ કનેક્શન અંગેની યોજનાઓની માહિતી મેળવ્યાં બાદ જરૂરી ગામ ફાળો ઉઘરાવી ગામમાં પાઇપલાઇન નંખાયાં બાદ નર્મદા નદીનું પાણી ઘરના નળ સુધી પહોંચ્યું છે. સરકાર દ્વારા આવી અનેક યોજનાઓ થકી ગામડાઓમાં પણ શહેર જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે.તેમણે આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાન બન્યાં બાદ છેવાડાનાં માનવી સુધી તમામ યોજનાઓ પહોંચતી કરવાં જે આયોજનબધ્ધ અભિયાન હાથ ધર્યું છે તેને કારણે આજે આ શક્ય બન્યું છે.