જશોનાથ ચોકથી કમિશનર કચેરી સુધી રેલી યોજવામાં આવી
ભાવનગરમાં પાણી અને રોડને લઈને સ્થાનિકો દ્વારા રજૂઆત કરવા છતાં કોઈ પણ કાર્યવાહી નહિ થતા ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે વ્યવસ્થા પરિવર્તન પાર્ટી દ્વારા ભાવનગર કમિશનરને આવેદન પાઠવામાં આવ્યું હતું. ભાવનગર મહાપાલિકાના અધિકારીઓ દ્રારા ઉનાળાના સમયમાં પાણી નહીં આપવા બાબત અને ભાવનગર શાસક પક્ષ અને અધિકારી દ્વારા ઉનાળાની શરૂઆત પહેલા શહેરીજનોને પાણી પૂરતું મળવાની વાતો કરી હતી. પરંતુ શહેરમાં વિવિધ વિસ્તારોમાં પાણીને લઈને લોકો પરેશાન થાય છે તેમજ રોડના કામ હાલ ચાલુ હોય જેમાં નબળી ગુણવત્તાનો રોડ બનતા લોકોએ વિરોધ કર્યો હતો, અને રોડ નું કામ અટકાવ્યું હતું. આજે વ્યવસ્થા પરિવર્તન પાર્ટી દ્વારા શહેરના જશોનાથ ચોક ખાતે આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર પહેરાવી રેલી યોજી હતી, આ રેલી ભીડભંજન મહાદેવથી કમિશનર કચેરી પહોંચી સૂત્રોચ્ચાર કર્યા હતા. વ્યવસ્થા પરિવર્તન પાર્ટી દ્વાર ઇન્ચાર્જ કમિશનર યોગેશ નિર્ગુડેને રોડ અને પાણીમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.