ગાંધીનગરમાં કેટલાય સમયથી દબાણ હટાવવાના નામે ગરીબ પેટીયું રળતા લારી-ગલ્લા અને ઝૂંપડામાં પોતાનું જીવન જીવતા ગરીબો પર દબાણખાતું ત્રાટકી ત્રાટકીને દબાણ હટાવે છે. અવારનવાર દબાણ હટાવવાના નામે સરકારી તંત્રનો છેવટે પ્રજાના પૈસાનો માત્ર દૂરૂપયોગ કરી હપ્તાખોરીની પોતાની પકડ મજબૂત કરવા સિવાય કંઈ થતું નથી.
એકપણ દબાણ શહેરમાંથી છેલ્લા કેટલાય સમયથી દૂર થઈ શકતું નથી. કે કરી શકયા નથી. નિયમો બધા જ હોવા છતાં અંતેે તો તેમનું તેમ જ થાય છે. અને ફરી પાછુ ભૂતાવળની જેમ ઉભુ થઈ પ્રજાના પૈસા બગાડવાનુ નાટક શરૂ થાય છે. નાટકની જેમ પડદો પડે પુરૂ થાય ત્યારે બહાર બધું એવું ને એવું રાબેતામુજબનું ચાલું હોય છે.
આર એન્ડ બી હોય કે કોર્પોરેશન દબાણ ખાતામાં કેટલાક અધિકારીઓ તગડી કમાણી કરતા હોય છે. નહીં તો દબાણ ખાતું હટાવવાનો શિડયુઅલ ટાઈમટેબલ તૈયાર કરે ત્યાં તો શહેરના દબાણકર્તાઓ પાસે માહિતી પહોંચી જાય છે અને બધાને ખબર પડી જાય છે કે આજે કયાં દબાણનો પ્રોગ્રામ છે. સાવ ફૂટેલું તંત્ર નથી પરંતુ ગુનાહિત માનસવાળું તંત્ર અને હપ્તાખોર અધિકારીઓનુ ષડયંત્ર છે. ઓફિસમાં રિપોર્ટ ભરાઈ જાય આટલા દબાણ હટાવ્યા એસી. ઓફિસમાં બેઠેલા સાહેબને સંતોષ થાય કે કંઈક કામગીરી કરી પછી બીજા દિવસે ત્યાં કોઈ જોવા પણ જતું નથી નહીં તો તે તમામ દબાણો ત્યાં ને ત્યાં જોવા મળે છે.
કેટલાક મોટી રકમ, તગડો હપ્તો આપતાં હોય તેવા દબાણના કેન્દ્રોમાં જોઈએ તો પથિકાશ્રમ અને બસ સ્ટેન્ડ વચ્ચેનું ખાણીપીણી ગલીનું બજાર તેને કયારેય પહેલાં હટાવાતું જ નથી. તેના પર કેટલાક હપ્તાખોરની રહેમ નજર જરૂર છે. તેથી આગળ સે. – ૧૧, સે. – ર૧ ના દબાણ આવે છે અને તેનાથી પણ તગડી કમાણીવાળા વિસ્તાર તે છે. ઘ-પ ફ્રુડ માર્કેટ ત્યાં પોતાને ફાળવેલ જગ્યા કરતાં પ૦ ઘણા દબાણો લોકોએ બનાવી જલસાથી ધંધા કરે છે. અરે બે-અઢી લાખમાં ફાળવેલી સરકારી જગ્યા બેધડક વેચી પણ શકે છે. તેના દબાણો કયારેય તેમને દેખાતા નથી. ઈન્ફોસીટી પણ તગડી હપ્તાની રકમ કમાવી આપતી જગ્યા હતી પરંતુ રાજકીય ઈચ્છા શક્તિને કારણે આવા લાંચિયા અધિકારીઓને તેમાં સફળતા મળી નહી. બાકી શહેરમાં વ્હાલા-દવાલા-દબાણ ઘણા છે. જેને સાચવી લેવામાં પોતે પણ સચવાઈ જતા હોય છે.