રાજ્યની 12 ડિવિઝનની કુલ 2200 બસ ફાળવવાનો આદેશ કરી દેવાયો
10મી મે એ નવસારીમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમ અંતર્ગત ભાવનગર એસટીની 70 બસો દોડાવવામાં આવશે. આ માટે ભાવનગર વિભાગની 70 બસ મળીને રાજ્યની 12 ડિવિઝનની કુલ 2200 બસ ફાળવવાનો આદેશ કરી દેવાયો છે. આ ઉપરાંત ત્રણ દિવસ સુધી તમામ વિભાગો રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલરૂમ શરૂ કરવા જણાવી દેવાયું છે. પીએમ મોદીના નવસારી ખાતે યોજાનારા કાર્યક્રમમાં વલસાડ, ડાંગ, નવસારી, સુરત અને તાપી જિલ્લામાંથી લોકોને બસ માર્ગે કાર્યક્રમ સ્થળે લાવવા લઇ જવા માટે એસટી વિભાગની 2200 બસની માંગણી કરવામાં આવી છે. જેમાં ભાવનગર વિભાગની 70 બસ પીએમ કાર્યક્રમ માટે દોડાવાશે. જ્યારે કાર્યક્રમ દરમિયાન એક્સપ્રેસ રૂટો કેન્સલ ન થાય તે માટે આગોતરું આયોજન કરવા તેમજ મુસાફરોને અગવડતા ન પડે તે માટે ગેરહાજરી ઉપર અંકુશ મેળવી મહત્તમ ફરજોનું સંચાલન હાથ ધરી અને લોકલ રૂટનું સંચાલન હાથ ધરવા તેમજ આ કાર્યક્રમને લઈ તા.9 મી મે થી 11 મે સુધી તમામ વિભાગોને 24 કલાક કંટ્રોલ રૂમ શરૂ કરી અધિકારી સહિતની ફરજ સોંપવાના આદેશ કરવામાં આવ્યા છે.