તળાજા પંથકના ગામડાઓમાં ૬ મહિનાથી પાણીનો પોકાર

38

૪૦ ફૂટ લાઈન નાંખવામાં ૪ વર્ષથી અખાડા : આંગણવાડીના બાળકો, કોટડા ધામે આવતા શ્રધ્ધાળુઓને પાણી નથી મળતું, ૩ દિવસમાં પરિણામ નહીં તો પાણીદાર આંદોલન છેડાશે
તળાજા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા છ માસથી પાણીનો પોકાર ઉભો થયો છે. છ-છ માસ થવા છતાં પાણીની સમસ્યાનો હલ નહીં આવતા આખરે મહિલાઓ સહિતના લોકો પાણી પુરવઠાની ઓફિસે પહોંચી ગયા હતા અને ત્રણ દિવસમાં પરિણામ નહીં મળે તો પાણીદાર આંદોલન છેડવાની ચિમકી ઉચ્ચારી હતી. તળાજાના પસવી ઝોન નીચે આવતા તેમજ ઉંચા-નીચા કોટડા, દયાળ અને કળસાર જિલ્લા પંચાયત હેઠળ આવતા ગામોમાં છેલ્લા છ માસથી પાણીની સમસ્યા છે. જે બાબતે અવાર-નવાર રજૂઆત કરવા છતાં પણ પીવાનું પાણી ન મળતા ગ્રામજનોની ધીરજ ખૂંટી હતી અને આજે સોમવારે મહિલાઓ સહિતના ગ્રામજનો તળાજા સ્થિત પાણી પુરવઠા બોર્ડની કચેરીએ ધસી આવી હતા. અહીં લેખિતમાં રજૂઆત કરી બે દિવસમાં પાણીનો પ્રશ્ન હલ નહીં થાય તો પાણીદાર આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.આંગણવાડી કાર્યકર મહિલાએ એવો આક્રોશ ઠાલવ્યો હતો કે, તેમની આંગણવાડીમાં આવતા ૪૦ જેટલા બાળકોને પીવાનું પાણી નથી મળતું. જ્યારે ઉંચા કોટડા શક્તિપીઠ ધામમાં પણ પાણીની સમસ્યા સર્જાઈ હોય, અહીં દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુઓને પણ પાણી ન મળતું હોવાનો બળાપો ઠાલવવામાં આવ્યો હતો.
વધુમાં ૨૦૧૮ની સાઈમાં સંઘર્ષ કરી પાણીની લાઈન નાંખવામાં આવી હતી. હવે ૪૦ ફૂટ જેટલી લાઈન નાંખવાની બાકી છે, ચાર વર્ષ જેટલો સમય થવા છતાં લાઈન નાંખવામાં તંત્ર અખાડા કરી રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

Previous article’પુનીત સાગર અભિયાન – ૨૦૨૨ અંતર્ગત એરફોર્સ એન.સી.સી. ભાવનગર દ્વારા બોરતળાવ સફાઈ અભિયાન તેમજ પ્લાસ્ટિક વાપરશ અંગેના ગેરફાયદા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો’
Next articleલગ્નના ચાર મહિના પૂરા થતાં કરિશ્મા તન્નાએ કર્યું સેલિબ્રેશન