પૂર્વ શહેર પ્રમુખ રાજેશ જોશી પણ છોડી રહ્યા છે કોંગ્રેસ!

27

કોંગ્રેસના નેતાની પક્ષ પ્રત્યેની નારાજગી અવારનવાર બહાર આવી જ છે : આપ આવકારવા તૈયાર અને ભાજપના નેતાઓ પણ કેસરીયો ખેસ પહેરવા તૈયાર
દેશમાં એક સમયનો સૌથી મોટો પક્ષ કોંગ્રેસ જનાદેશ મેળવવામાં સતત નિષ્ફળ થતો જાય છે. બીજી બાજુ કાર્યકરો, આગેવાનોનો વિશ્વાસ તૂટી રહ્યો હોય તેમ કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્યો ભાજપમાં જોડાઈ કેસરિયા કરી રહ્યા છે, ઉપરાંત સંગઠનમાં રહેલા નેતાઓ પણ હવે એક પછી એક કોંગ્રેસને છોડી રહ્યા છે. ભાવનગર જિલ્લાની વાત કરીએ તો અગાઉ યુવા નેતા સંજયસિંહ ગોહિલ કોંગ્રેસ સાથે પોતાનો છેડો ફાડી ચૂક્યા છે ત્યાં ભાવનગર શહેરમાંથી પૂર્વ પ્રમુખ રહી ચુકેલા રાજેશ જોશી પણ હવે કોંગ્રેસ છોડવાના મૂડમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભાવનગર પૂર્વની વિધાનસભા બેઠકમાં રાજેશ જોશી કોંગ્રેસનો ચહેરો ગણાય છે, તેઓ અગાઉ કોર્પોરેશનની ચૂંટણી લડીને જીત મેળવી વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે તેમજ ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખની કમાન પણ સંભાળી ચૂક્યા છે, સૌથી મોટી વાત એ છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલની નજીક તેઓને ગણવામાં આવે છે. છેલ્લા કેટલાક દિવસથી રાજેશ જોશી પક્ષની નીતિરીતિ અને આંતરિક બાબતોથી નારાજ હોવાનું કહેવાય છે જયારે જૂથવાદ સરાજાહેર છે. આમ, કોંગ્રેસમાં પણ સામ પ્રવાહે લડવા જેવી તેમની સ્થિતિ છે ત્યારે કોઈ મજબૂત અન્ય રાજકીય પક્ષમાં જોડાવાની વિચારણામાં હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આવા સમયમાં જ કોંગ્રેસને આ નેતા પણ ગુમાવવું પડે તેવું નિશ્ચિત લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી રાજેશ જોશી ભાજપમાં જોડાઇ રહ્યા છે તેવી વાતો ચાલી રહી છે જોકે રાજેશ જોશી આગ સીધું સમર્થન આપતા નથી પરંતુ કોંગ્રેસ તરફથી તેની નારાજગી સ્પષ્ટ છે અને આમ આદમી પાર્ટી સાથે તેમનું જોડાણ શક્ય બને તેવી સંભાવનાઓ હાલ ઓછી છે ત્યારે ભાજપ તરફ તેમનો લગાવ સ્પષ્ટ થાય છે. જે પરિસ્થિતિ દેખાઈ રહી છે તે મુજબ આ નેતા કોંગ્રેસ છોડશે તે સંભાવના બળવત્તર છે અને ભાજપ તરફનું તેનું ખેંચાણ અને ભાજપ પણ તેને આવકારવા આતુર હોય તે દેખાઈ રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં નવાજૂની નિશ્ચિત લાગી રહ્યું છે.

Previous articleભાવનગર જિલ્લામાં પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળાના અટકાયતી પગલાં અંગે બેઠક યોજાઈ
Next articleપાલિતાણાના શેત્રુંજી ડેમમાં પાણીની સપાટી ૫૧.૭ મીટર