ચૂંટણી પંચે દેશભરમાં પ્રવાસી મજૂરોની વસ્તીનું મેપિંગ શરૂ કરવા માટે યોજના બનાવી છે જેથી રિમોટ વોટિંગ શરૂ કરવા માટે એક રોડ મેપ તૈયાર કરી શકાય
નવી દિલ્હી,તા.૮
ઈલેક્શન કમિશન એક પ્રયોગના ભાગરૂપે રિમોટ વોટિંગની શક્યતાઓ શોધવા માટે પ્રયત્નશીલ છે. ચૂંટણી પંચના કહેવા પ્રમાણે પ્રવાસી મતદારોના મુદ્દાઓની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવશે. ચૂંટણી નિરીક્ષકે જણાવ્યું કે, રિપોર્ટ મળ્યા બાદ રાજકીય દળો સહિત તમામ હિસ્સેદારો સાથે વ્યાપક વિચાર-વિમર્શ શરૂ કરવામાં આવશે. ચૂંટણી પંચના એક અધિકારીના કહેવા પ્રમાણે પ્રવાસી મજૂરોને પડતી મુશ્કેલીઓને પગલે એક નક્કર પ્રયત્ન કરવો પડશે. ચૂંટણી પંચે દેશભરમાં પ્રવાસી મજૂરોની વસ્તીનું મેપિંગ શરૂ કરવા માટે યોજના બનાવી છે જેથી રિમોટ વોટિંગ શરૂ કરવા માટે એક રોડ મેપ તૈયાર કરી શકાય. મંગળવારના રોજ મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
બેઠકમાં ચૂંટણી અધિકારી અનૂપ ચંદ્ર પાંડે પણ સામેલ થયા હતા. કુમાર અને પાંડેએ ગત ૩ જૂનના રોજ ચમોલી જિલ્લાના દુમક તથા કલગોથ ગામોના સૌથી દૂરના મતદાન કેન્દ્રોની મુલાકાત લીધી હતી. ચૂંટણી પંચે જણાવ્યું કે, દુમકા તથા કલગોથ જેવા ગામોમાં નોંધાયેલા આશરે ૨૦-૨૫% મતદારો પોતાના ચૂંટણી ક્ષેત્રમાં મતદાન માટે અસમર્થ છે કારણ કે, તેઓ પોતાની નોકરી કે શૈક્ષણિક ગતિવિધિઓના કારણસર મોટા ભાગે ગામ અને રાજ્યની બહાર રહે છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચ લોકો તેમના કાર્યસ્થળેથી મતદાન કરી શકે તે માટે મંજૂરી આપીને રિમોટ વોટિંગની શક્યતાઓ પર વિચારણા કરી રહ્યું છે. અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહેલા આશરે ૧૦ મિલિયન પ્રવાસી મજૂરો સરકારના ઈ-શ્રમ પોર્ટલ પર રજિસ્ટર્ડ છે. હાલ પોસ્ટલ બેલેટ મતદાન સેવા માત્ર સેનાના જવાનો જેવા મતદારો માટે જ છે.