ઘરમાંથી દુર્ગંધ આવવાથી પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી, જે પછી હત્યાની વાત બહાર આવી હતી
લખનઉ,તા.૮
લખનઉના પીજીઆઈ વિસ્તારમાં હત્યાનો એક સનસનાટી મચાવતો કેસ સામે આવ્યો છે. પબજી ગેમ રમવાની ના પાડતા એક સગીરે પોતાની માતાની હત્યા કરી દીધી છે. એડીસીપી પૂર્વી કાસિમ આબ્દીએ જણાવ્યું કે એક મકાનમાં દુર્ગંધ આવવાની સૂચના મળવા પર પોલીસ ત્યાં પહોંચી તો રૂમમાં ૪૦ વર્ષની મહિલા સાધના સિંહની લાશ મળી આવી હતી. લાશ પાસે એક પિસ્તોલ પડી હતી. પોલીસે મૃતકના ૧૬ વર્ષના પુત્રની પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે ઘરમાં લાઇટનું કામ કરવા આવેલા એક વ્યક્તિએ તેની માતાની હત્યા કરી છે. જોકે મૃતકની ૧૦ વર્ષની પુત્રીને વિશ્વાસમાં લઇને પોલીસે પૂછપરછ કરી તો નવા રહસ્યો ખુલ્યા હતા. મૃતક સાધનાના પતિ આર્મીમાં જેસીઓ છે જે હાલ પશ્ચિમ બંગાળના આસનસોલમાં તૈનાત છે. પીજીઆઈ વિસ્તારમાં સાધના પોતાના ૧૬ વર્ષના પુત્ર અને ૧૦ વર્ષની પુત્રી સાથે રહેતી હતી. એડીસીપી કાસિમ આબ્દીના મતે આરોપી પુત્ર મોબાઇલ ગેમ અને સોશિયલ મીડિયાની ઘણી લત લાગી ગઇ હતી. માતા સાધના તેને સોશિયલ મીડિયા અને મોબાઇલથી દૂર રહેવા માટે કહેતી હતી. માતાએ જ્યારે પુત્રને મોબાઇલ પર પબજી રમવાને લઇનને રોક્યો તો પુત્ર ગુસ્સે થઇ ગયો હતો અને આ ઘટનાને અંજામ આપ્યો હતો. દિવસના લગભગ ૩ વાગે માતા સાધના ઊંઘી રહી હતી ત્યારે પુત્ર પિતાની લાઇસન્સવાળી પિસ્તોલ લઇને આવ્યો હતો અને માતાને ગોળી મારી દીધી હતી. તેણે પોતાની ૧૦ વર્ષની બહેનને પણ ધમકાવી હતી. બે દિવસ સુધી લાશને સંતાડવા માટે યોગ્ય જગ્યાની શોધ કરતો રહ્યો હતો. તેણે જ્વલનશીલ પદાર્થથી માતાની લાશને સળગાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો. મંગળવારે સાંજે ઘરમાંથી દુર્ગંધ આવવાથી પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. જે પછી હત્યાની વાત બહાર આવી હતી. બે દિવસોમાં આરોપી પુત્રની વર્તુંણક સામાન્ય રહી હતી. તે મિત્ર સાથે રમતો પણ રહ્યો હતો. તેમને ઘરમાં બોલાવીને ફિલ્મ પણ જોઇ હતી. ઘરમાં ભોજન બનાવીને ખાધું પણ હતું. પોલીસે આરોપી પુત્ર સામે સગીર બાળકો માટે બનેલા કાનૂન પ્રમાણે કાર્યવાહી કરી છે.