છુટાછેડા પૂર્વે પત્ની સહિત પરિવારના પાંચ લોકોને છરીના ઘા ઝીક્યા

64

ઇજાગ્રસ્તોને પ્રથમ બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં બાદ ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા
બોટાદ ખાતે ગઢડા રોડ પર રાધેશ્યામ સોસાયટીમાં રહેતા પરિવારની દિકરી સાથે લવમેરેજ કર્યાં બાદ દિકરીને રિસામણે મોકલી દીધેલ ત્યારબાદ છુટાછેડાની વાત ચાલતા શખ્સે ત્યાં આવી ગાડી તથા જમીનના કાગળો માંગતા દિકરીએ પ્રથમ છુટાછેડાની વાત કરતા ઉશ્કેરાઇ જઇ યુવાને પત્ની સહિત તેના પરિવારના પાંચ સભ્યોને છરીઓ મારી ઇજા કરતા તમામને સારવાર માટે પ્રથમ બોટાદ બાદ ભાવનગર હોસ્પિટલમાં ખસેડાયા છે. આ બનાવ અંગે જમાઇ વિરૂદ્ધ સાસુએ ફરિયાદ નોંધાવતા બોટાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગઢડા રોડ, ગુરૂકુળ પાછળ રાધેશ્યામ સોસાયટી, બોટાદ ખાતે રહેતા સવિતાબેન શંભુભાઇ મુળીયાએ ચંદ્રકાન્ત ઉર્ફે ટીનો હરિશચંદ્ર વૈષ્ણવ (રે.કટારીયા, તા.લીંમડી, જિ.સુરેન્દ્રનગર) સામે એવા મતલબની ફરિયાદ નોંધાવેલ કે, ચંદ્રકાંત સવિતાબેનની દિકરી વર્ષાબેનને ભગાડી લવમેરેજ કર્યાં હતા જેને પુત્રી થતા સાતેક માસ પહેલા માથાકુટ કરતા વર્ષાબેન રિસામણે આવી ગયેલ ત્યારબાદ એકાદ માસ પૂર્વે તેની નાની દિકરી દયાબેનને ચંદ્રકાન્ત ભગાડી ગયેલ ત્યારબાદ દયાબેન તેના ઘરે પરત આવી ગયેલ દરમિયાન વર્ષાબેનના છુટાછેડાની છેલ્લા ૧૫ દિવસથી વાત ચાલતી હતી દરમિયાન ગઇકાલે તા.૮ના રોજ મોડી સાંજે ચંદ્રકાન્ત ફરિયાદીના ઘરે આવી વર્ષાબેન પાસે તેની ગાડી તથા જમીનના કાગળો માંગતા વર્ષાબેને પ્રથમ છુટાછેડા થાય બાદ કાગળો આપીશ તેમ જણાવતા ઉશ્કેરાઇ જઇ ચંદ્રકાન્તે પરિવારના બિપીનભાઇ, ચિરાગભાઇ, વર્ષાબેન, હેતલબેન, દયાબેન સહિત ઉપર આડેધડ છરીઓના ઘા ઝીંકી હાથે-પગે અને માથામાં ઇજા કરી નાસી છુટેલ. તમામને ગંભીર હાલતે બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયેલ ત્યાંથી વધુ સારવાર માટે સર ટી. હોસ્પિટલમાં ખસેડાયેલ. આ અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી ૩૦૭, ૩૨૩, ૫૦૪, ૫૦૬-૨, ૧૩૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Previous articleભાવનગર શહેર ભાજપ દ્વારા ડો. ભરતભાઈ કાનાબારની ઉપસ્થિતિમાં ત્રિદિવસીય અલ્પકાલીન વિસ્તારક યોજનાની કાર્યશાળા યોજાઈ.
Next articleશહેરના ભરતનગરમાં ખાડામાં ડૂબી જવાથી પરિવારે વ્હાલસોયો પુત્ર ગુમાવ્યો, સિંધી સમાજમાં આક્રોશ