ભાવ. બાર એસો. દ્વારા શનિવારે ગેટ ટુ ગેધર અને ડિરેક્ટરી વિમોચન કાર્યક્રમ યોજાશે
ભાવનગર સિવીલ બાર, ક્રિમનલ બાર અને એક્સિડન્ટ ક્લેમ બાર એસો. સહિતના તમામ વકીલ મંડળોના સંયુક્ત ઉપક્રમે આગામી તા.૧૧ને શનિવારે શહેરના હિમાલીયા મોલની બાજુમાં આવેલા શ્રીજી પાર્ટી પ્લોટમાં ગેટ ટુ ગેધર કાર્યક્રમ તેમજ વકીલ મિત્રોની ડિરેક્ટરીનું વિમોચન તેમજ મનોરંજન કાર્યક્રમ સહિતના કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમમાં ભાવનગરના પ્રિન્સીપલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ પીરજાદા તેમજ અન્ય કોર્ટના વિદ્વાન ન્યાયમૂર્તિશ્રીઓ તેમજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન કિશોરભાઇ ત્રિવેદી સહિતના સિનીયર, જુનિયર વકીલ મિત્રો અને શુભેચ્છકો આ કાર્યક્રમમાં હાજરી આપશે. છેલ્લા ઘણા દિવસોથી કોર્ટમાં વેકેશન જાહેર થયું હતું તે વેકેશન આગામી તા.૧૩ને સોમવારથી ખુલશે જેથી સોમવારથી તમામ કોર્ટો ધમધમતી થશે. હાલમાં કોર્ટમાં પાંખી હાજરી જોવા મળી રહી છે તે સોમવારથી બહોળી સંખ્યામાં પક્ષકારો, અરજદારો, વકીલો કોર્ટમાં જોવા મળશે અને તમામ કામગીરી કાર્યરત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ભાવનગરના ડિસ્ટ્રીક્ટ જજ સહિતના વિદ્વાન ન્યાયમૂર્તિશ્રીઓની બદલી ભાવનગર ખાતે થઇ છે. આ કોર્ટો પણ કાર્યરત થઇ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષમાં ભાવનગરના પ્રિન્સીપલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ આર.ટી. વચ્છાણીએ ઘણા કેસો તાત્કાલીક ચલાવી ચુકાદા જાહેર કરી આરોપીઓ સામે ગુના સાબિત માની કડકમાં કડક સજા અને દંડ ફટકાર્યાં હતાં.