થોડા દિવસ પૂર્વે પણ ગીધનું મોત થયું હતું તેની વિગતો હજુ સતાવાર જાહેર કરાઈ નથી : ગીધ દુર્લભ પ્રજાતિ છે અને આરક્ષીત જાહેર કરાઈ છે છતાં વન વિભાગ જ ગંભીર નહિ હોવાની ચર્ચા
મહુવા તાલુકાના ભાદ્રોડ ગામની સીમમાં દુર્લભ તથા કેન્દ્ર સરકારે આરક્ષિત પ્રજાતિમા સમાવેશ કરેલા એવાં ચાર ગીધ પક્ષીના મૃતદેહો મળી આવતા અને વિગતો બહાર આવતા જેને લઈ વનવિભાગ દોડતું થયું છે. ભાદ્રોડ ગામની સીમમાં આવેલા એક ખુલ્લા ખેતરમાં ગત મંગળવારે સવારે અલગ-અલગ જગ્યાએથી ચાર ગીધના મૃતદેહ મળી આવતા ઈન્ચાર્જ ડીસીએફ આરએફઓ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃત ગીધના મૃતદેહો કબ્જે કરી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. જેમાં આ પક્ષીના મૃતદેહો પર કોઈ ઈજાના નિશાન મળી આવ્યાં ન હતાં.જેથી મોતનું સાચું કારણ જાણવા ચારેય મૃતદેહોને જૂનાગઢની ફોરેન્સિક લેબમાં મોકલી આપવામાં આવ્યા હતાં. જયાથી પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યાં બાદ મોતનું ખરૂં કારણ જાણવા મળશે. ગીધ પક્ષી ખોરાકમાં મૃત પ્રાણીઓનું મિટ (માંસ) આરોગે છે આથી જે પશુનું મોત ઝેરથી થયું હોય એવાં પશુના માંસનો ગીધ ખોરાક તરીકે ઉપયોગ કરે તો ગીધને પણ ઝેરી અસર થવા સાથોસાથ મોત થવાની પ્રબળ સંભાવના રહે છે. ભાદ્રોડ ગામની સીમમાંથી મળેલા ગીધ પણ ખોરાકની ઝેરી અસરને પગલે મોત થયાની શક્યતા છે. ગીધ પક્ષીઓ આહાર માટે લાંબા અંતરનો પ્રવાસ ખેડી તેમના મૂળ સ્થાનેથી અન્ય જગ્યાએ જતાં હોય છે આથી આ અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી હોવાનો વન વિભાગે દાવો કર્યો છે. હાલાકી મહુવા પંથકમાં ગીધ માટે ખાસ ઝોન ઊભો કરવામાં આવ્યો છે છતાં તેનું યોગ્ય સંરક્ષણ કરવામાં વન વિભાગ બેદરકારી દાખવી રહ્યું છે હોવાની ચર્ચાઓ ઉઠી છે થોડા દિવસ અગાઉ એક ગીધનું મૃત્યુ પવનચક્કી સાથે અથડાવાથી થયું હોવાની વાતો વહેતી થઈ હતી છતાં આજદિન સુધી વન વિભાગે સતાવાર કોઈ વિગતો જાહેર કરી નથી જે શંકા વધુ દ્રઢ કરે છે.!