નૂપુર શર્મા, નવીન કુમાર જિંદલ, શાદાબ ચૌહાણ, સબા નકવી, મૌલાના મુફ્તી નદીમ, અબ્દૂર રહેમાન, ગુલઝાર અંસારી, અનિલ કુમાર મીણા અને પૂજા શકુનનાં નામ સામેલ
નવી દિલ્હી,તા.૯
મોહમ્મદપયગંબર વિરુદ્ધ કથિત ટિપ્પણી કરવા બદલ ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા નુપુર શર્માની મુશ્કેલી વધી ગઈ છે. દિલ્હી પોલીસે ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા અને દિલ્હી ભાજપના પૂર્વ નેતા નવીન કુમાર જિંદાલ સહિત સોશિયલ મીડિયા પર નફરત ફેલાવવા બદલ કેટલાક લોકો વિરુદ્ધ એફઆઈઆરનોંધી છે. જેમાં ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા અને દિલ્હી ભાજપના પૂર્વ નેતા નવીન કુમાર જિંદલનું નામ પણ સામેલ છે. દિલ્હી પોલીસે બુધવારે જણાવ્યું હતું કે, તેમણે કેટલાક લોકો સામે કેસ નોંધ્યો છે જેઓ કથિત રીતે નફરતના સંદેશાઓ ફેલાવી રહ્યા છે એટલે કે હેટ મેસેજ ફેલાવી રહ્યા છે. જુદા જુદા જૂથોને ઉશ્કેરી રહ્યા છે અને એવી સ્થિતિ સર્જી રહ્યા છે કે, જે જાહેર શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે હાનિકારક છે. દિલ્હી પોલીસે જણાવ્યું કે, સ્પેશિયલ સેલના ઈન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન યુનિટે નુપુર શર્મા અને નવીન જિંદાલ સહિત લગભગ ૯ લોકો વિરુદ્ધ એફઆઈઆરનોંધી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે એફઆઈઆરમાં નૂપુર શર્મા, નવીન કુમાર જિંદલ, શાદાબ ચૌહાણ, સબા નકવી, મૌલાના મુફ્તી નદીમ, અબ્દૂર રહેમાન, ગુલઝાર અંસારી, અનિલ કુમાર મીણા અને પૂજા શકુનનું નામ સામેલ છે. આ બધા પર ઉશ્કેરણીજનક નિવેદન દ્વારા માહોલ ખરાબ કરવાનો આરોપ છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ કેપીએસ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, એફઆઈઆરવિવિધ ધર્મો વિરુદ્ધ નિવેદનોથી સંબંધિત છે. મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, યુનિટ સાયબર સ્પેસ પર અશાંતિ પેદા કરવાના ઈરાદાથી જૂઠી અને ખોટી માહિતીને પ્રોત્સાહન આપવામાં વિવિધ સોશિયલ મીડિયા સંસ્થાઓની ભૂમિકાની તપાસ કરશે. તમને જણાવી દઈએ કે, ટીવી ડિબેટમાં કથિત વિવાદાસ્પદ ધાર્મિક ટિપ્પણી માટે ભાજપ નેતા નૂપુર શર્માને સસ્પેન્ડ કરવાના વિવાદ વચ્ચે આ મામલે સામે આવ્યો છે. આ અગાઉ નૂપુર શર્માની વિરુદ્ધ મુંબઈમાં પણ એફઆઈઆરનોંધવામાં આવી ચૂકી છે. પયગંબર મોહમ્મદ પર કથિત ટિપ્પણી બાદ નૂપુર શર્માને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. જેને લઈને દિલ્હી પોલીસે એફઆઈઆરનોંધી હતી અને નૂપુર શર્મા તથા તેમના પરિવારને સુરક્ષા પૂરી પાડી હતી. નુપુર શર્માએ તેમને મળી રહેલી ધમકીઓનો હવાલો આપતા પોલીસને સુરક્ષા પ્રદાન કરવાની વિનંતી કરી હતી.