તેમની સામે સોશિયલ મીડિયા દ્વારા સમાજમાં નફરત ફેલાવતા સંદેશાઓના પ્રસાર, ખોટી અફવાઓના ફેલાવા, ધાર્મિક સદભાવના બગાડવાના આરોપ સહિતની અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યા
નવી દિલ્હી,તા.૯
દિલ્હી પોલીસે ઉશ્કેરણીજનક ભાષણો અને સોશિયલ મીડિયામાં નફરતભર્યા મેસેજ ફેલાવવા મામલે એક્શન લીધી છે. દિલ્હી પોલીસના આઈએફએસઓ યુનિટે ઉશ્કેરણીજનક ભાષણ આપવાના કેસમાં અસદુદ્દીન ઓવૈસી અને સ્વામી યતિ નરસિંહાનંદ સામે એફઆઈઆર દાખલ કરી છે. અગાઉ આ યુનિટે નુપુર શર્મા અને નવીન કુમાર જિંદલ સામે પણ એફઆઈઆર નોંધી હતી.
પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે દિલ્હી પોલીસ નફરત ફેલાવનારા નિવેદનોથી વાતાવરણ બગાડનારાઓ સામે આકરી કાર્યવાહી ચાલુ રાખશે. નુપુર શર્માથી શરૂ કરીને નવીન જિંદલ સહિત ૯ લોકો સામેના આકરા વલણ બાદ એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી અને સ્વામી યતિ નરસિંહાનંદ સામે કેસ દાખલ કરવામાં આવ્યા છે. તેમના સામે સોશિયલ મીડિયા દ્વારા સમાજમાં નફરત ફેલાવતા સંદેશાઓના પ્રસાર, ખોટી અફવાઓના ફેલાવા, ધાર્મિક સદભાવના બગાડવાના આરોપ સહિતની અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે. આ અગાઉ બુધવારે દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, તેમણે કેટલાક લોકો સામે કેસ નોંધ્યો છે. તેમાં એવા લોકોનો સમાવેશ થાય છે જે કથિત રીતે નફરતભર્યા સંદેશાઓ ફેલાવી રહ્યા છે અને વિવિધ જૂથોની ઉશ્કેરણી કરીને એવી સ્થિતિ ઉભી કરી રહ્યા છે જે શાંતિ અને વ્યવસ્થાને નુકસાન પહોંચાડી શકે છે. આઈએફએસઓના પોલીસ કમિશ્નર કેપીએસ મલ્હોત્રાએ અલગ અલગ ધર્મોના લોકોની સામે એફઆઈઆર નોંધવામાં આવી હોવાની માહિતી પણ આપી હતી. ઉલ્લેખનીય છે કે, કેટલાક દિવસો પહેલા નુપુર શર્માએ એક ટીવી ડીબેટ દરમિયાન પયગંબર મોહમ્મદ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમના આ નિવેદન બાદ અનેક લોકોએ સોશિયલ મીડિયા ઉપર ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યા હતા જેના પગલે દિલ્હી પોલીસે એક્શન લીધી છે. નુપુર શર્માને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમજ નવીન કુમાર જિંદલને વિવાદાસ્પદ ટિ્વટ લખવા બદલ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. નુપુર શર્માને તેમના નિવેદનના લીધે જાનથી મારી નાખવાની ધમકી મળતા તેમણે દિલ્હી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. દિલ્હી પોલીસે કેસ નોંધીને નુપુર શર્માને સુરક્ષા પૂરી પાડી છે.