કલોલમાં અંબિકા પોલીસ ચોકીની સામે પાર્ક કારનો કાચ તોડી રૂ.૨૬,૫૦૦ની રોકડની ઉઠાંતરી થતા ચકચાર મચી જવા પામી હતી. અમદાવાદનાં ગુરૂકુલ ડ્રાઇવીંગ રોડ પર આવેલા મારૂતી સેન્ટર ખાતે રહેતા ગોપાળભાઇ કાન્તીભાઇ ગઢીયા સિમેન્ટ વેચાણનો ધંધો કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. ગત તા ૨૨મેના રોજ સાંજના સુમારે ધંધા અર્થે તેઓ કલોલ આવ્યા હતા અને બોરીસણા ગરનાળા નજીક પોતાની કાર નં.જીજે ૧ એચ ૭૨૭૦ રોડની સાઇડમાં પાર્ક કરી હતી. ગોપાળભાઇ વેપારીને મળવા ગયા હતા. તે દરમિયાન કોઇ ગઠીયાએ આવી ડ્રાઇવર સીટની પાછળના દરવાજાનો કાચ તોડી લેધર બેગની ઉઠાંતરી કરી પલાયન થઇ ગયો હતો. આ બેગમાં રૂ.૨૬,૫૦૦ રોકડ સહીત અન્ય ડોક્યુમેન્ટ્સ મુકેલા હતા. આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ બનાવ અંબિકા પોલીસ ચોકીની બીલકુલ નજીક બન્યો હતો.